ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરીયા અને ગુંડેચા બસ સ્ટેન્ડ વચ્ચે રાજપારડીથી નેત્રંગ તરફના માર્ગ પર એક હાઇવા ટ્રક અને ફોર વ્હિલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ફોર વ્હિલ ચાલકને ગંભીર ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમાં હાઇવા ટ્રક રોડ ઉપર પલટી મારી ગઇ હતી.
વધુમાં મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પીપલપાન ગામે રહેતા મહેશભાઇ ડાહ્યાભાઈ વસાવા ગત તા.૪ થીના રોજ તેમની ફોર વ્હિલ ગાડી લઇને અંકલેશ્વર લગ્ન માટેની ખરીદી કરવા ગયા હતા. અંકલેશ્વર કામ પતાવીને તેઓ તેમના ભાણેજ સાથે રાતના નવેક વાગ્યાના સમયે રાજપારડી આવ્યા હતા, અને ત્યારબાદ ત્યાંથી પાછા ઘરે જતા હતા ત્યારે રાતના દસ વાગ્યાના અરસામાં રાજપારડીથી આગળ હિંગોરીયા અને ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ વચ્ચે સામેથી આવતી એક હાઇવા ટ્રક આ ફોર વ્હિલ ગાડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. અને આ ફોર વ્હિલ કારને નુકશાન થયું હતું. તેમજ હાઇવા ટ્રક રોડ ઉપર પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં કાર ચાલક મહેશભાઇ વસાવાને માથાના ભાગે ઇજા થઇ હતી તેમજ પાંસળીઓમાં ફેક્ચર થયું હતું. ઇજાગ્રસ્ત મહેશભાઇને સારવાર માટે ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઇજાગ્રસ્ત મહેશભાઇ ડાહ્યાભાઈ વસાવા રહે.પીપલપાન તા.ઝઘડિયાનાએ રાજપારડી પોલીસમાં અકસ્માત સંદર્ભે ફરિયાદ લખાવતા પોલીસે હાઇવા ટ્રકના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ