ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છાસવારે નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે. બેફિકરાઇથી દોડતા ભારે વાહનોથી અવારનવાર અક્સ્માતો સર્જાતા હોવાની વાતો સામે આવી છે. ગતરોજ તાલુકાના પાણેથા નજીક એક ટ્રકચાલકે એક મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ચાલક ઇસમ ઇજાગ્રસ્ત થતાં રાજપિપલા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ પાણેથા ગામે રહેતો ભરતભાઇ રમણભાઈ વસાવા નામનો ઇસમ ગતરોજ તેની છોકરી સાથે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઇને કરિયાણાનો સામાન લેવા ગયો હતો. તે દરમિયાન પાણેથા મેઇન રોડ પર સામેથી આવતી એક ટ્રકે આ મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને પિતાપુત્રી મોટરસાયકલ પરથી નીચે પડી ગયા હતા. અકસ્માતમાં ભરતભાઇને શરીરના વિવિધ ભાગો પર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત ભરતભાઇને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે રાજપિપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સ્થળ ઉપર મુકીને નાશી છુટ્યો હતો. આ સંદર્ભે ભરતભાઇ રમણભાઈ વસાવા રહે.પાણેથા તા.ઝઘડિયા જિ.ભરૂચનાની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે અકસ્માત સર્જી નાશી ગયેલ ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ