ગતરોજ ૨૬ મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં તાલુકા મથક ઝઘડિયા સહિત ગામેગામ પરંપરાગત ઉત્સાહથી પ્રજાસત્તાક પર્વ મનાવાયું હતું. તાલુકામાં શાળાઓ ગ્રામ પંચાયત કાર્યાલયો તેમજ અન્ય સરકારી અર્ધસરકારી કચેરીઓમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. વિવિધ ગામોએ ગામની સહુથી વધુ કેળવણી પ્રાપ્ત કરેલ દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યા હતા. ઝઘડિયા રાજપારડી ઉમલ્લા પંથક સહિત નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ પણ પ્રજાસત્તાક પર્વ પ્રસંગે દેશભક્તિનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે વિવિધ ગામોની શાળાઓમાં વિધ્યાર્થીઓ તેમજ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શિક્ષકોએ બાળકોને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવ્યુ હતું અને મહામહેનતે મળેલ આઝાદીનું જતન કરવા સહુએ કટિબદ્ધ બનવું પડશે એમ અનુરોધ કર્યો હતો. ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સારસા રાણીપુરા સહિતની ગ્રામ પંચાયતો ઉપરાંત શાળાઓમાં ધ્વજવંદન નિમિત્તે દેશભક્તિના ગીતો દ્વારા દેશભક્તિનો માહોલ છવાયો હતો. રાજપારડી ગામે જીએમડીસી ડીપી શાહ વિધ્યામંદિર નુરાની શાળા પોલીસ સ્ટેશન સહિતના સ્થળોએ તેમજ ઉમલ્લા ખાતે પણ પોલીસ સ્ટેશન સરસ્વતી શિશુ વિધ્યામંદિર સહિતના વિવિધ સ્થળોએ પ્રજાસત્તાક પર્વ ઉત્સાહથી મનાવાયું હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ