ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સ્થિત શૈક્ષણિક સંસ્થા શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુ વિધ્યામંદિરની સ્થાપનાના ૨૫ વર્ષ પુરા થતાં આ પ્રસંગે સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે. સંસ્થાના પ્રમુખ અને ગુજરાત હસ્તકલા નિગમના પુર્વ ડિરેક્ટર રશ્મિકાન્ત પંડ્યાના જણાવ્યા અનુસાર સંસ્થાએ ૨૫ વર્ષ પુરા કરતા આગામી તા.૫ મી ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ ઉમલ્લા ગ્રામ પંચાયત ચોક ખાતે રાતના આઠ કલાકે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.
આયોજિત કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઇ પાંચસેરીયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ એ જીવન ઘડતરમાં મહત્વનું યોગદાન આપતું પરિબળ ગણાય છે, ત્યારે ૨૫ વર્ષથી ઉમલ્લા ગામે શૈક્ષણિક કામગીરી દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર ઉમલ્લાની આ શૈક્ષણિક સંસ્થાના ૨૫ વર્ષ પુર્ણ થતા સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ