ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૩ જી ફેબ્રુઆરીના રોજ મનાવાશે.
અત્રેના કારોબારી અધિકારી મોહંમદભાઇ સીંધી દ્વારા બહાર પડાયેલ એક યાદીમાં જણાવાયા મુજબ તા.૨ જી ફેબ્રુઆરીના રોજ બપોરે સંદલ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમજ રાતના સાડા આઠ વાગ્યે સીદી ધમાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા દિવસે તા.૩ જી ના રોજ આ જગ્યાના હાલના ગાદીવારસ હઝરત જાનુબાપુની ઉપસ્થિતિમાં દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મનાવાશે.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની આઠસો વર્ષ જુની દરગાહ શરીફે ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે. દરરોજ બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે, અને દર ગુરૂવાર અને રવિવારના રોજ આ સ્થળે મોટું માનવમહેરામણ ઉમટે છે તેને લઇને મેળા જેવું દ્રશ્ય જોવા મળતું હોય છે. બાવાગોર આવવા માટે રાજપારડી રતનપુર અને ઝઘડિયાથી વાહનોની સગવડ મળે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ