ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ખાતે ચાર શાળાઓને લગતી સ્પોર્ટસ ચેમ્પીયનશીપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાની બોસ્ટિક ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની અને આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન- વડોદરા દ્વારા ઝગડિયા તાલુકાના ખરચી, સરદારપુરા, દધેડા અને નવાગામ(કરારવેલ) ગામોની ચાર શાળાઓમાં પ્રોજેકટ ઉમંગ ચલાવાય છે. તે અંતર્ગત શાળાઓના બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય થઇ શકે તે માટે અલગ અલગ સહઅભ્યાસકીય પ્રવૃતિઓની સાથેસાથે અલગઅલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આ પ્રોજેકટ હેઠળ હાલમાં તા.૨૦ મી જાન્યુઆરીના રોજ આ ચાર શાળાઓ વચ્ચે ઇન્ટર સ્કુલ સ્પોર્ટસ ચેમ્પીયનશીપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૩ થી ૮ ના કુલ ૨૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આયોજિત કાર્યક્રમમાં અલગ-અલગ ૩૦ જેટલી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા થયેલ બાળકોને મેડલ્સ, પ્રમાણપત્ર તેમજ સ્કુલ ટ્રોફી આપવામાં આવી હતી.
આ સ્પર્ધામાં દધેડા શાળા સહુથી વધુ પોઇન્ટ્સ મેળવીને વિજેતા બની હતી, અને સ્કૂલ ટ્રોફી મેળવવા હકદાર બની હતી. આ સ્પર્ધાનો આરંભ બોસ્ટિક ઇન્ડિયા કંપનીના રાજેશ જાની તેમજ આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર નિશાંત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં આ ગામોએથી આવેલ અગ્રણીઓ, શાળાના આચાર્યઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ