હાલમાં શિયાળાની મોસમ પુરબહારમાં ખીલી છે. ગાત્રો ધ્રુજાવતી ઠંડીથી સમગ્ર રાજ્યની જનતા થરથર કાંપી રહી છે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો પણ હાડ થીજાવતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સહુથી મોટા શહેર સુરતમાં એક આંકડા મુજબ ગતરોજ લઘુત્તમ તાપમાન ૧૨.૫ ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ૨૩ જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ થશે એમ જાણવા મળ્યું છે, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન વધવાની સંભાવનાને લઇને રાજ્યમાં ત્રણ ડીગ્રી તાપમાન વધવાની સંભાવના રહેલી છે. જોકે હાલ તો રાજ્યના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકામાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેલો દેખાઇ રહ્યો છે. શિયાળા દરમિયાન વહેલી સવારે કોઇકોઇ વાર વાતાવરણમાં ધુમ્મસ ફેલાતા જનતાને હીલ સ્ટેશનનમાં બેઠા હોવાની અનુભૂતિ પણ થતી હોય છે. તાલુકામાં હાલ સામાન્ય રીતે શરદી, ખાંસીનો વાવર પણ કંઇક અંશે જણાય છે. ઠંડીના કારણે તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા જેવા નગરોના બજારો પણ મોડેથી તડકો નીકળ્યા પછી ખુલે છે અને સાંજે વહેલા બંધ થઇ જતા હોય છે. આમ હાલ શિયાળાની મોસમ દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ