ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ઝઘડિયા વિધાનસભા બેઠકના વિસ્તારના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં બીપીએલ નું સર્વે કરાવી યોગ્ય વ્યક્તિઓનો તેમાં સમાવેશ કરાવવા માંગ કરી હતી. ધારાસભ્યએ તેમની રજુઆતમાં જણાવ્યું હતું કે હાલની બીપીએલ યાદીમાં આ ત્રણ તાલુકાઓમાંથી ઘણા ગરીબ પરિવારોનું બીપીએલમાં નામ ન હોવાના કારણે બીપીએલ યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે. ૨૦૧૦-૧૧ ના વર્ષ બાદ બીપીએલનું કોઇ સર્વે હાથ નથી ધરાયું. ત્યારે નવેસરથી બીપીએલનું સર્વે કરાય તેવી રજુઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે હાલની બીપીએલ યાદીમાં ઘણી યોગ્ય વ્યક્તિઓનું નામ ન હોવાના કારણે આવી વ્યક્તિઓેને તેને લગતા લાભોથી વંચિત રહેવું પડે છે, જ્યારે ઘણા આર્થિક રીતે સધ્ધર પરિવારો બીપીએલ યાદીમાં હોવાથી તેઓ બીપીએલને યોગ્ય ન હોવા છતાં બીપીએલનો લાભ લઇ રહ્યા છે. સામાન્યરીતે જે વ્યક્તિઓનું બીપીએલ યોજનામાં નામ હોય તેવી વ્યક્તિઓને પુરવઠા વિભાગ દ્વારા બીપીએલ રેશનકાર્ડ ફળવાય છે, જ્યારે હાલ ઝઘડિયા પંથકમાં ઘણીબધી આર્થિક રીતે સધ્ધર વ્યક્તિઓ પણ બીપીએલ રેશનકાર્ડ ધરાવે છે, ત્યારે બીપીએલ રેશનકાર્ડોની બાબતે પણ હાલ જે અસંતુલન પ્રવર્તે છે તેની પણ યોગ્ય તપાસ થાય તે જરુરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ