ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના કેટલાક ખેતરોને ઝઘડિયા જીઆઇડીસીના પ્રદુષિત કેમિકલયુક્ત પાણીથી નુકશાન થતું હોઇ જાહેરમાં છોડાતું આવું પ્રદુષિત પાણી અટકાવવા ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને રજુઆતની નકલ પ્રાન્ત અધિકારી ઝઘડિયા, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી અંકલેશ્વર તેમજ ઝઘડિયા જીઆઇડીસી નોટીફાઇડ એરિયા કચેરીને મોકલીને ઝઘડિયા જીઆઇડીસીના પ્રદુષિત પાણીથી ખેતીને થતું નુકશાન અટકાવવા માંગ કરી હતી.
કપલસાડી ગામના પ્રદુષિત પાણીની સમસ્યાથી વ્યથિત આ ખેડૂતોએ ગત તા.૧૯ – ૧૦ – ૨૨ ના રોજ આ રજુઆત લેખિતમાં જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને કરેલ હતી. આ વાતને આજે અઢી મહિના જેટલો સમય વિતવા છતાં કપલસાડીના આ ખેડૂતોને તેમણે કરેલ રજુઆત સંદર્ભે હજુ કોઇ જવાબ નહિ મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઇડીસીના કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા જાહેરમાં છોડાતા પ્રદુષિત પાણીથી ખેતરોમાં ઉગાડવામાં આવતા પાકને માઠી અસર થતી હોય છે. ઉપરાંત સતત ફેલાતા પ્રદુષિત પાણીને લઇને ખેતરોની ફળદ્રુપતા પણ ઘટી રહેલી હોવાની લાગણી ખેડૂતોમાં જણાઇ રહી છે. ઝઘડિયા જીઆઇડીસીના કેટલાક ઉધોગો દ્વારા જાહેરમાં પ્રદુષિત પાણી છોડવાની ઘટનાઓ હવે રોજિંદી બની ગઇ હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી રહી છે. ઉધોગોને પ્રદુષણ ફેલાવતા અટકાવવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યરત છે, તેમજ જીઆઇડીસીની નોટીફાઇડ એરિયા કચેરીએ પણ આ બાબતે કાળજી લેવાની હોય એ સ્વાભાવિક બાબત ગણાય, પરંતું જાહેરમાં પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો પ્રત્યે કુણું વલણ રાખતા સંબંધિત અધિકારીઓ પોતાની ફરજમાં ઉણા ઉતરતા દેખાય ત્યારે પ્રદુષણકારો સાથે તેમની સાઠગાંઠ હોવાની શંકાઓ જાગે એ પણ સ્વાભાવિક જ છે ! ઝઘડિયા જીઆઇડીસીના પ્રદુષિત પાણી જાહેરમાં ખેતરોને નુકશાન થાય એ રીતે છોડતા ઉધોગો પ્રત્યે તંત્ર લાલ આંખ કરે તોજ આપણે અસરકારક પરિણામની આશા રાખી શકીએ. કપલસાડીના ખેડૂતોએ પ્રદુષિત પાણી બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને કરેલ લેખિત રજુઆતનો અઢિ મહિના બાદ પણ કોઇ પ્રત્યુત્તર નહિ મળતા આ ખેડૂતો હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો આશરો લે તો પણ નવાઇ નહિ ગણાય !
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ