ઝઘડિયા બેઠક પર તાજેતરમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડનાર છોટુભાઈ વસાવા એ ચુંટણી સમયે ભરૂચ જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા વિરુદ્ધ ઉચ્ચારેલ શબ્દોના વિરુદ્ધમાં ઝઘડિયા તાલુકા ભાજપા અગ્રણીઓએ આજે ઝઘડિયાના પ્રાન્ત અધિકારીને આવેદન આપ્યુ હતું.
આવેદનમાં જણાવાયા મુજબ તાજેતરમાં યોજાયેલ રાજ્ય વિધાનસભાની ચુંટણીમાં ઝઘડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવાએ તેમના સાથીદારો અને રાજકીય સલાહકારોની મદદથી ભરૂચ જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાની માનહાની થાય તે પ્રકારના આશયથી પ્રેરાઈને શબ્દો ઉચ્ચારીને સોસિયલ મિડીયામાં વિડીઓ બનાવીને વાયરલ કર્યો હતો. આવેદનમાં જણાવાયા મુજબ સોસિયલ મિડીયામાં વાયરલ થયેલ આ વિડીઓમાં જીલ્લા ભાજપા પ્રમુખ વિષે ખોટી વાહિયાત વાતો બદનક્ષી થાય તે રીતે વાયરલ કરવામાં આવેલ છે. આ બાબતે ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપીને ઝઘડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવા વિરુદ્ધ ચુંટણી પંચના કાયદાને આધિન યોગ્ય પગલા લેવા માંગ કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ