ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા તેમજ જીઆઇડીસી વિસ્તારમાંથી બાઈક ચોરી ઉપરાંત લોખંડના સામાન ચોરીની ઘટનાઓ કોઈ નવી વાત નથી, ઝઘડિયા ચાર રસ્તા પર આવેલ બાઈક રીપેરીંગનું ગેરેજ ફિરોજખાન પઠાણ તેમની દુકાનમાં ચલાવે છે, દુકાનમાં રીપેરીંગમાં આવેલી બાઈકોના સ્પેરપાર્ટ તેમજ જૂનો સામાન તેમની દુકાનના પાછળના ભાગે પતરાના આડસ કરી પડી રહેતો હોય છે. ફિરોજખાન અહેમદ ખાન પઠાણે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે કે તેમની ગેરેજના પાછળના ભાગે રાખેલ બાઈકના જુના સ્પેરપાર્ટ તેમજ રીપેરીંગમાં આવેલ બાઈકોના સ્પેરપાર્ટ ચોરી થાય છે. ગત તા.૨૦.૧૨.૨૨ ના રોજ તેઓ ગેરેજના આગળના ભાગે બેઠા હતા ત્યારે તેમના ગેરેજના પાછળના ભાગેથી કોઈ અજાણ્યો ઈસમ ડિસ્કવર ગાડીનું મેકવીલ ચોરીને લઈ જતો હતો તેવું ફિરોજભાઈના ગેરેજ પાછળ રહેતા અમરસિંગ ભાઈએ જોયું હતું અને તેઓ તેની પાછળ તેને પકડવા દોડતા તે પકડાયો ન હતો, જેથી અમરસિંગ ભાઈએ ફિરોજભાઈને આવીને મેકવીલ ચોરી જનાર બાબતે જણાવ્યું હતું, ત્યારબાદ તેમણે તેમના ગેરેજમાં લગાવેલ સીસીટીવી ફૂટેજમાં ચેક કરતા એક ચોર ઈસમ મેકવીલ ચોરીને લઈ જતા જણાયો હતો. ફિરોજભાઈએ તેમની ફરિયાદમાં લખાવ્યું છે કે આ ચોર ઈસમો તેમના ગેરેજની પાછળના ભાગેથી આશરે ૩૦૦ કિલો લોખંડ તેમજ ૧૨૦ કિલો એલ્યુમિનિયમ તથા ૮ જેટલા મેકવીલ ચોરીને લઈ ગયા છે, જેથી તેમને આશરે ૫૫ હજાર રૂપિયા જેટલું નુકસાન થયું છે. બાઈકના જુના સ્પેરપાર્ટ તેમજ મેકવીલ ચોરી જનાર અજાણ્યા ચોર ઈસમને તાત્કાલિક શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા લેખિતમાં ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં આપી છે.
ગુલામહુશેન ખત્રી