ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે દુધ મંડળી ખાતે વી.એમ.એસ. કાર્યક્રમ યોજાયો હતો. દુધધારા ડેરી ભરૂચના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સભાસદો તેમજ કર્મચારીઓને દુધ ઉત્પાદનલક્ષી માહિતી તેમજ વહિવટી કાર્યશૈલી અંતર્ગત માહિતી ડેરીના મેનેજર નિલેશભાઇ વાળાએ આપી હતી. આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત પશુપાલકોને લીલો ઘાસચારો, મિનરલ મિક્ષ્ચર, ઘાસચારાની જાળવણી તેમજ સમતોલ પશુ આહારનો યોગ્ય ઉપયોગ કરી પશુ સ્વાસ્થય અંગેની સવિસ્તાર સમજ આપવામાં આવી હતી. ઉપરાંત નવજાત વાછરડા અને પાડાની માવજત, પશુ રસીકરણ, કૃમિ નિયંત્રણ, કૃત્રિમ વિર્યદાન, પશુ વેતરના લક્ષણો જેવી બાબતો વિષયક વકતવ્યો આ પ્રસંગે રજુ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સભાસદો દ્વારા રજુ કરાયેલ વિવિધ પ્રશ્નોના સવિસ્તાર જવાબ મેનેજર કૌશિક પ્રજાપતિએ આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ અછાલિયા દુધ મંડળીના સંતશરણ રાવે સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ