ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે આઝાદીકા અમૃત મહોત્સવ અને વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરી ભરૂચના માર્ગદર્શન હેઠળ રાજપારડી વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા વીજ સલામતીના સાધનો વાપરવા અંગે લોકોને જાગૃત કરવાના હેતુસર ગામમાં રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ. રાજપારડી કચેરીના ડી.ઇ. એ.વી.પાઠકે આયોજિત રેલી દરમિયાન લોકોને જાગૃત કરતા જણાવ્યું હતુ કે અમુક વખત વીજ અકસ્માતો સર્જાતા લોકોને ગંભીર ઇજાઓ પહોચતી હોય છે, અને અમુક કિસ્સાઓમાં જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે.
ત્યારે આવા અકસ્માતોના બનાવો ઘટાડવા લોકો પોતપોતાના નિવાસ સ્થાનો, ફેક્ટરી, દુકાનો, શોપિંગ કોમ્પલેક્ષ ખાતે એમ.સી.બી., ઇ.એલ.સી.બી., આર.સી.સી.બી., વિગેરે વીજ સલામતીના સાધનો ગોઠવી વીજ અકસ્માતો નિવારી શકે છે. ઉપરાંત લોકો પાણીવારા અથવા ભેજવાળા ભીના હાથે વીજ સ્વીચોનો ઉપયોગ કરવાનુ ટાળે, વિજ ટ્રાન્સફોર્મરથી દુર રહે, જીવતા વીજતારોનો સંપર્ક નહિ કરે, લોખંડના વીજપોલથી દુરી બનાવી રાખે, વધારે ઉંચાઇ ધરાવતા અને વધુ ઉંચાઇવાળી મશીનરીઓ લોડ કરી જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પોતે લોખંડની પાઇપ વડે વીજતારો ઉંચા ના કરે તેમજ જો આવી પરિસ્થિતિ આવેતો નજીકની કચેરીનો સંપર્ક કરવો જોઇએ જેવી જરુરી બાબતો જણાવી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ રેલીમાં રાજપારડી વીજ કચેરીના અધિકારી એ.વી.પાઠક, જે.ઇ.કે.એમ.પટેલ,એસ.આર.પટેલ,તેમજ ટેકનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓ જોડાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ