ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે લગ્નમાં નાચતી વખતે ધક્કો વાગી જતા આ બાબતે ઝઘડો થવા પામ્યો હતો. ઘટનામાં કુલ ચાર ઇસમો સામે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવવામાં આવી હતી. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.૧૪ મીના રોજ અવિધા ગામે એક લગ્નનો પ્રસંગ હોઇ, રાજપારડીનો કાર્તિક લલીન્દ્રભાઇ વસાવા નામનો યુવક તેના ખડોલી ગામના બે મિત્રો જયેન્દ્ર રાજેશ વસાવા તેમજ આશિષ રમેશ વસાવા સાથે અવિધા ગામે લગ્નમાં ગયો હતો. લગ્નના આ પ્રસંગમાં જમ્યા બાદ રાતના અગિયારેક વાગ્યે નાચગાન ચાલુ થયેલ હતું. લગ્નમાં નાચગાનના કાર્યક્રમમાં બધા નાચતા હતા ત્યારે અવિધા ગામના રોહિત મંગાભાઇ વસાવાથી જયેન્દ્રને ધક્કો વાગી ગયો હતો. આ બાબતે કાર્તિકે રોહિતભાઇને કહેલ કે તમે શાંતિથી નાચો અમને ધક્કા વાગે છે. આ સાંભળીને રોહિત અને તેની સાથેના અન્ય ત્રણ ઇસમો ગાળો બોલવા લાગ્યા હતા. દરમિયાન અન્ય લોકોએ વચ્ચે પડીને ઝઘડો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ રાતના પોણા બારેક વાગ્યાના અરસામાં કાર્તિક અને તેના મિત્રો હાઇસ્કુલ તરફ ચાલતા જતા હતા ત્યારે રોહિત મંગાભાઇ વસાવા, જશવંત રમેશ વસાવા, મિતેશ સોમા વસાવા અને લાલુ હિરાભાઇ વસાવા રસ્તામાં ઉભા હતા. આ લોકો નજીક જતા તેઓએ કહ્યુ હતુ કે આ અમારુ ગામ છે, નાચતી વખતે કેમ દાદાગીરી કરતા હતા? ચુપચાપ જતા રહેવાનું નહિતો તમને ત્રણેવને જાનથી મારી નાંખીશ. આ બાબતે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન એ લોકો કાર્તિક અને જયેન્દ્રને માર મારવા લાગ્યા હતા. ઝઘડા દરમિયાન જયેન્દ્રને પાઇપનો સપાટો વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો. તેમજ કાર્તિકને માથાના ભાગે ધારીયાનો ઉંધો ભાગ વાગી ગયો હતો. ઇજાગ્રસ્ત ઇસમોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે કાર્તિક લલીન્દ્રભાઇ વસાવા રહે.રાજપારડીનાએ રોહિત મંગાભાઇ વસાવા, જશવંત રમેશભાઇ વસાવા, મિતેશ સોમા વસાવા તેમજ લાલુ હિરાભાઇ વસાવા તમામ રહે. ગામ અવિધા, તા.ઝઘડિયા, જી.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ