ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ રેવા એગ્રોથી કોર્ટ તરફ જવાના માર્ગ ઉપર થોડા દિવસ પહેલા લૂંટની ઘટના સર્જાઈ હતી, જેમાં મોટરસાયકલ લઇ પસાર થઈ રહેલા એક વ્યક્તિને ત્રણ જેટલા ઈસમોએ ટાર્ગેટ કરી રસ્તા માંજ આંતરી લઇ રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જે બાદ ભોગ બનનાર વ્યક્તિ દ્વારા મામલે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.
સમગ્ર મામલા અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી મામલે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા. સાથે જ તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાંચ પણ જોતરાઈ હતી, જે બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે દરોડા પાડી ચમારીયા બળિયાદેવના મંદિર પાસે બેસેલ શંકાસ્પદ ઈસમની પૂછપરછ હાથ ધરતા સમગ્ર લૂંટનો ભેદ ઉકેલાયો હતો.
ક્રાઇમ બ્રાંચે મામલે વિજયભાઈ રમેશભાઇ વસાવા રહે,ચમારીયા ગામ નાઓની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે અને તેના સાથી મિત્રો વિકેસ રવિદાસ વસાવા અને દિલીપભાઈ ગુણવતભાઇ વસાવા બંને રહે ભમાડિયા નાઓની સાથે મળી મોજ શોખ કરવાના હેતુથી લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાંચે વિજય વસાવાની ધરપકડ કરી મામલે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ