ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીમાં રોજગારી બાબતે સ્થાનિક કામદારોની સરખામણીએ પરપ્રાંતિય કામદારોને વધુ મહત્વ અપાતું હોવાની ચર્ચાઓ લાંબા સમયથી તાલુકામાં ઉઠી રહી છે. ઝઘડિયા સ્થિત સ્થાનિક સંસ્થા મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ મિતેશભાઇ પઢિયાર દ્વારા ઝઘડિયાના પ્રાન્ત અધિકારીને આ અંગે લેખિતમાં રજુઆત કરીને ઝઘડિયા જીઆઇડીસીમાં સ્થાનિક કામદારો માટે રોજગારીની તકો વિસ્તૃત બનાવાય એવી માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયા મુજબ જીઆઇડીસીમાં કામ માટે જતા લોકોનું શોષણ થતું હોવાની વાતો ઉઠવા પામી છે. ઉપરાંત વેતન બાબતે પણ સરકારી નિયમોનો ભંગ થતો હોવાની રજુઆત કરવામાં આવી હતી. કામદારોને બેઝિક સુવિધાઓ બાબતે પણ અન્યાય થતો હોવાની તેમજ સ્થાનિક અને પર પ્રાંતિય કામદારો વચ્ચે પણ જીઆઇડીસીની કેટલીક કંપનીઓ ભેદભાવ રાખતી હોવાનો આક્ષેપ રજુઆતમાં કરવામાં આવ્યો હતો. સ્થાનિક યુવાનોને જીઆઇડીસીમાં યોગ્ય પ્રમાણમાં રોજગાર મળે તે માટે તંત્ર દ્વારા વહેલી તકે ઘટતા પગલા લેવાય તેવી માંગ રજુઆતમાં કરવામાં આવી હતી. રજુઆતની નકલ ભરૂચ જીલ્લા કલેક્ટર અને ઝઘડિયા મામલતદારને પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઇડીસીમાં સ્થાનિકોની સરખામણીએ પર પ્રાંતિયોને નોકરીમાં પ્રાધાન્ય આપવાની કેટલાક ઉધોગ સંચાલકોની નિતીને લઇને તાલુકાની જનતામાં રોષની લાગણી ફેલાવા પામી છે. આને લઇને ઘરના છોકરા ઘંટી ચાટે એવો ઘાટ થતો દેખાઇ રહ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ