ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામના એક જાગૃત નાગરીક દ્વારા આ વિસ્તારમાં થઇ રહેલા અનધિકૃત માટી ખનનને લઇને જીલ્લા કલેક્ટર ભરૂચને રજુઆત કરવામાં આવી હતી. તેમજ અરજીની નકલ અન્ય ૧૦ જેટલા અધિકારીઓ અને પદાધિકારીઓને પણ મોકલેલ હતી. અરજીમાં જણાવાયુ હતુ કે ઝઘડિયા જીઆઇડીસીમાં નવા બાંધકામ માટે કરોડો રુપિયાના પુરાણ માટેના કોન્ટ્રાક્ટ અપાય છે, જે અંતર્ગત કેટલાક ભુમાફિયાઓ દ્વારા ખરચી તેમજ આસપાસના ગામોમાં છેલ્લા બે માસથી ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ થઇ રહ્યું છે. જમીનોમાં ૧૦૦ ફુટ જેટલા ઉંડા ખાડા પડી ગયા છે. ઉપરાંત વધુમાં જણાવાયુ હતુ કે કેટલાક હાઇવા ટ્રક ડ્રાઇવરો નશો કરીને ગાડીઓ ચલાવે છે.
દરમિયાન જાણવા મળ્યા મુજબ ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકામાં થઇ રહેલ ગેરકાયદેસર માટી ખનન બાબતે રેઇડ કરવામાં આવી હતી, તેમજ કેટલાક માટી ખનનમાં ઉપયોગી મશીનો તેમજ કેટલાક વાહનો ઝડપ્યા હતા.પરંતુ ત્યારબાદ કોઇ કાર્યવાહી કર્યા વિના વાહનો મુક્ત કરી દેવાયા હોવાની ચર્ચાઓ જાણવા મળી હતી. આ અંગે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો ટેલિફોન સંપર્ક કરવા છતાં કોઇ સંપર્ક થઇ શક્યો નહતો. ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી હતી કે કેમ? અને જો હા હોય તો પછી ભીનું સંકેલીને ઘીના ઠામમાં ઘી તો નથી પડી રહ્યુ ને? આ બાબતે તાલુકામાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યુ હોવાની વાતો સામે આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ