Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું.

Share

હાલ સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચુંટણીનો માહોલ છવાયેલો નજરે પડે છે. આજે તા.૧ લી ડિસેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનો પણ પહેલા તબક્કામાં સમાવેશ થયેલ હોઇ આજે જીલ્લાના વિસ્તારમાં આવતી જંબુસર વાગરા ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયા બેઠકો માટે પણ મતદાન યોજાયું. જીલ્લાની પાંચ બેઠકો પૈકીની એકમાત્ર આદિવાસી અનામત બેઠક ઝઘડિયા બેઠક પર પણ આજે યોજાયેલ મતદાન પ્રક્રિયાને લઇને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું હતુ.

ઝઘડિયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓનો સમાવેશ થાય છે. ઝઘડિયા બેઠકમાં કુલ ૩૨૧ જેટલા મતદાન મથકો નો સમાવેશ થાય છે. આજે યોજાયેલ મતદાનમાં શરુઆતથી લઇને કોઇકોઇ જગ્યાએ મતદારોમાં ઉતસાહ જણાતો હતો તો કોઇકોઇ સ્થળે નીરસતા જણાતી હતી, જોકે આ લખાય છે ત્યારે સાંજના ચાર વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

મતદાન દરમિયાન ઉચેડિયા કપલસાડી ભાલોદ જેવા ગામોએ મતદાન મશીનો ખોટકાતા મતદાન પ્રક્રિયા થોડો સમય વિલંબમાં પડી હતી. જોકે મશીનો તાબડતોડ દુરસ્ત કરાતા મતદારોએ મતદાન કર્યુ હતું. ઝઘડિયા વિધાનસભા બેઠકમાં કુલ મતદારોની સંખ્યા ૨૫૮૯૦૨ જેટલી છે. આજે યોજાયેલ મતદાન પ્રક્રિયા અંતર્ગત મતદાન શરુ થયા બાદ સવારના અગિયાર વાગ્યા સુધીમાં ઝઘડિયા બેઠક પર ૧૬.૭૭ ટકા, બપોરના એક વાગ્યા સુધીમાં ૪૧.૪૭ ટકા તેમજ બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૫૯.૪૪ ટકા મતદાન થયું હતું.

Advertisement

ઝઘડિયા બેઠક પર હાલ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો ચુંટણી જંગ ખેલી રહ્યા છે. પાછલી સાત ટર્મથી વિધાનસભામાં ઝઘડિયા બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર છોટુભાઈ વસાવા હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ આ ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવા તેમજ ભારતીય જનતા પાર્ટીના રીતેશ વસાવા વચ્ચે મહત્વનો ગણાતો ચુંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે કોંગ્રેસ પણ બેઠક સર કરવાની ઉમ્મિદ સાથે ચુંટણી સ્પર્ધામાં છે. ભરૂચ જીલ્લા પોલીસ વડા લીના પાટીલે આજે મતદાન નિમિત્તે ઝઘડિયા વિસ્તારની મુલાકાત લીધી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચ : રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ખાદી શો ના ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન

ProudOfGujarat

લીંબડીમાં તસ્કરોનો તરખાટ : ઠંડીમાં પોલીસની ઊંઘ ઉડાડતા તસ્કરો….

ProudOfGujarat

ભરૂચ વેજલપુર બમ્બાખાના વિસ્તારમાં બે માલનું મકાન ધસરાયુ : બે વર્ષની બાળકી અને બે મહિલા સહીત છ વ્યક્તિઓને ઇઝા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!