Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા વિધાનસભા બેઠક પર તીવ્ર રસાકસી – ત્રીપાંખીયા જંગના વર્તાતા એંધાણ.

Share

રાજ્ય વિધાનસભાની ચુંટણીઓ જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષોએ ગતિવિધિઓ તેજ બનાવી હતી. ભરૂચ જીલ્લાના વિસ્તારમાં આવતી પાંચ વિધાનસભા બેઠકો પૈકીની એકમાત્ર આદિવાસી અનામત ઝઘડિયા બેઠક પર પાછલી સાત ટર્મથી છોટુભાઈ વસાવાનું વર્ચસ્વ રહ્યુ હતું. આ ચુંટણી દરમિયાન તેમનો પક્ષ ભારતીય ટ્રાઇબલ પાર્ટી જેડીયુ સાથે ચુંટણી સમજુતી કરશે એવું નિવેદન છોટુભાઈએ આપ્યું હતું. દરમિયાન તેમના પુત્ર અને બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખનો હોદ્દો ધરાવતા મહેશભાઇ વસાવાએ બીટીપી અને જેડીયુ વચ્ચે ચુંટણી જોડાણની વાત નકારી કાઢી હતી, તેમજ બીટીપીના સત્તાવાર ઉમેદવારોની યાદીમાં પણ ઝઘડિયા માટે મહેશભાઇ વસાવાનું નામ જાહેર થતાં બીટીપી અગ્રણીઓ આ પિતાપુત્ર વચ્ચેના સંબંધમાં વિખવાદ ઉભો થયો હતો. જોકે મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક પર બીટીપીના ઉમેદવાર તરીકે કરેલ ઉમેદવારી તેમના પિતા અને અપક્ષ ઉમેદવારી કરનાર છોટુભાઈ વસાવાની તરફેણમાં પરત ખેંચતા પિતાપુત્ર વચ્ચે સર્જાયેલા વિવાદનો અંત આવ્યો હતો.
************
ઝઘડિયા બેઠક પર ભાજપા કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રીપાંખીયા જંગની સંભાવના
___
સામાન્ય રીતે દરવખતની ચુંટણીમાં ઝઘડિયા બેઠક પર ભાજપા કોંગ્રેસ અને છોટુભાઈ વસાવાની પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાતો હોય છે. જોકે હાલ રાજ્યના સક્રીય રાજકારણમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. પરંતું ઝઘડિયા પંથકમાં આમ આદમી પાર્ટીનું કોઇ મજબુત સંગઠન નથી, તેથી ઝઘડિયા બેઠક પર ભાજપા કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવા વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાય તેવા એંધાણ જણાઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન તાલુકા પંચાયત સદસ્ય રિતેશ વસાવાને ચુંટણી જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પક્ષે ફતેસિંહ વસાવા પર પસંદગી ઉતારી છે. જ્યારે વર્તમાન ધારાસભ્ય છોટુભાઈ વસાવા અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં છે. આમ આદમી પાર્ટીએ ઉર્મિલાબેન ભગતને ઉમેદવાર બનાવ્યા છે.
*************
ઝઘડિયા બેઠક પર કુલ ૩૨૧ મતદાન મથકો પૈકી ૧૨૨ મતદાન મથકો સંવેદનશીલ
____
ઝઘડિયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓનો સમાવેશ થાય છે. આ બેઠક પર મતદાન મથકોની કુલ સંખ્યા ૩૨૧ છે, જે પૈકી ૧૨૨ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે બાકીના મતદાન મથકો સામાન્ય મતદાન મથકો છે. ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, ઝઘડિયા જીઆઇડીસી, વાલિયા અને નેત્રંગ મળી કુલ છ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. ઝઘડિયા બેઠક પર મતદારોની કુલ સંખ્યા ૨૫૮૭૫૧ છે, જે લોકશાહીના મહાસંગ્રામ એવા ચુંટણી જંગમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
**************
ચુંટણી જંગ જીતનાર ઉમેદવાર પાસે મતદારોની મોટી અપેક્ષાઓ
___
ઝઘડિયા વિધાનસભાની ચુંટણીનો જંગ જીતનાર વિજેતા ઉમેદવાર પાસે મતદારો મોટી અપેક્ષા રાખીને બેઠા છે. કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ ત્વરિત ઉકેલાય એવી લાગણી પણ જનતામાં સ્પસ્ટપણે દેખાઇ રહી છે. અંકલેશ્વર રાજપિપલા ધોરીમાર્ગની ચાર માર્ગીય કામગીરી લાંબા સમયથી વિલંબમાં પડી હતી. માર્ગની કામગીરી જલ્દીથી સંપન્ન થાય તેવી આશા મતદારો રાખીને બેઠા છે. ઉપરાંત ઝઘડિયા જીઆઇડીસીમાં પર પ્રાંતિય કામદારોને પ્રાધાન્ય આપવાની ઉધોગ માલિકોની નિતીને લઇને સ્થાનિક યુવાનોની ઘર આંગણે રોજગાર મેળવવાની આશા ઠગારી નીવડી હોવાની લાગણી સ્થાનિક યુવાનોમાં દેખાય છે. ધોરીમાર્ગ તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની પ્રવર્તમાન સમસ્યાનો ઉકેલ લાવવામાં પણ વિજેતા ઉમેદવાર સક્ષમ ભુમિકા અપનાવે તેવી મતદારો અપેક્ષા રાખીને બેઠા છે.
*************
તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીના બદલાયેલ સમીકરણો પર સહુની નજર
_____
પાછલી સાત ટર્મથી છોટુભાઈ વસાવાએ વિધાનસભામાં ઝઘડિયા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યુ છે. બેઠકના વિસ્તારમાં આવતા ત્રણ તાલુકાઓ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયતો પર પણ વર્ષોથી છોટુભાઈ વસાવાની પાર્ટીનો દબદબો હતો, જોકે ગત તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીમાં આ ત્રણેય તાલુકા પંચાયતો પર ભાજપાનો ભગવો લહેરાયો હતો. ત્યારે તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીમાં બદલાયેલા સમીકરણોનો લાભ વિધાનસભાની ચુંટણીમાં ભાજપાને મળશે કે પછી છોટુભાઈ વસાવા તેમની વિજય કુચ જાળવી રાખશે, એના પર હાલતો સહુકોઇની નજર છે. ઉપરાંત આ ચુંટણી જંગમાં ત્રીજો મોરચો કોંગ્રેસ પક્ષ પણ ઝઘડિયા બેઠક કબજે કરવા જોર લગાડશે એમાં બે મત નથી, ત્યારે હવે ઝઘડિયા બેઠક પરના આ ચુંટણી જંગની રેસમાં કોનો ઘોડો મેદાન મારી જાય છે એ વિષે મતદારોમાં વિવિધ અટકળોએ જોર પકડ્યું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

પાંચ વર્ષનો બાળક ટ્રાયસિકલમાં ભાઈ-બહેનને બેસાડી મજૂરી કરવા નીકળતો નર્મદાનો બાળ મજુર!

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં બોગસ નામ ધારણ કરી લાખોની છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટથી ઝડપાયો.

ProudOfGujarat

પશ્ચિમ વિભાગીય આંતર યુનિવર્સિટી યુવક મહોત્સવમાં વિરમગામનો યુવક ભાગ લેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!