ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના બામલ્લા ગામ પાસે શેરડી ભરેલ ટ્રેકટરમાં બેઠેલો યુવાન નીચે પટકાતા ગંભીર રીતે ઇજાઓ થઇ હતી. ત્યારબાદ આ ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ રુમાલપુરાનો પ્રતાપભાઇ જેન્તીભાઇ વસાવા નાની જાંબોઇ ગામના એક ખેડૂતના ખેતરમાંથી ટ્રેકટરમાં શેરડી ભરીને ગતરોજ તા.૨૧ મીના રોજ ધારીખેડા નર્મદા સુગર ફેકટરી ખાતે જવા નીકળ્યો હતો. આ ટ્રેકટર ડ્રાઇવર પ્રતાપે જાંબોઇના અશોકભાઇ કનુભાઇ વસાવા નામના યુવકને ટ્રેકટરના આગળના મોટા વ્હિલના પંખા પર બેસાડ્યો હતો. દરમિયાન આ ટ્રેકટર ઉમલ્લાથી આગળ રાયસીંગપુરા અને બામલ્લા ગામના પાટિયા વચ્ચે આવેલ નાળા પરથી પસાર થતું હતું ત્યારે અચાનક વ્હિલના પંખા પર બેસેલ અશોક ટ્રેકટરમાંથી ઉછળીને નીચે પડ્યો હતો. આ યુવકને ટ્રેકટરની ટ્રોલીનો વચ્ચેનો લોખંડનો ભાગ વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. નીચે પડતા આ યુવક ટ્રોલીના પાછળના વ્હિલમાં આવી જતા તેને બન્ને જાંઘોમાં ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક અશોકને પ્રથમ ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો, ત્યાંથી રાજપિપલા સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. બાદમાં વડોદરા ખાતે સારવાર દરમિયાન અશોકનું મોત નીપજ્યુ હતુ. ઘટના બાબતે મૃતકનાભાઇ ભરતભાઇ કનુભાઇ વસાવા રહે.નાની જાંબોઇ તા.ઝઘડિયાનાએ ટ્રેકટર ડ્રાઇવર પ્રતાપ જેન્તી વસાવા રહે.ગામ રુમાલપુરા તા.ઝઘડિયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ