ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપરા ગામે ઘરના આંગણામાં ગંદુ પાણી છોડવાની વાતે થયેલ ઝઘડામાં એક મહિલા સહિત કુલ ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપરા ગામે રહેતા ગંગારામ ગંભીરભાઇ વસાવાના ઘરની બાજુમાં રહેતા યોગેશભાઇ ગોપાલભાઇ વસાવા ગત તા.૧૭ મીના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં ત્યાં આવીને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે તમારા નળનું પાણી અમારા ઘરના આંગણામાં આવે છે. ત્યારે ગંગારામે તેમને સમજાવતા કહ્યું હતું કે તમારા આંગણામાં પાણી ના આવે તેથી અમે પાળ બનાવી છે. ત્યારબાદ આ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન યોગેશભાઇ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવા લાગ્યા હતા, અને ગંગારામને લાકડીના સપાટા મારી દીધા હતા. આ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડનાર ગંગારામના પરિવારજનોને પણ લાકડીના સપાટા માર્યા હતા. યોગેશભાઇનું ઉપરાણું લઇને તેની મમ્મી શાંતાબેન વસાવા અને પિતા ગોપાલભાઇ પણ ત્યાં આવીને ગાળાગાળી કરીને ઢિંકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ તે લોકો ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્તોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના બાબતે ગંગારામ ગંભીરભાઇ વસાવા રહે.રાજપરા,તા.ઝઘડિયા, જી.ભરૂચનાએ યોગેશ ગોપાલભાઇ વસાવા, ગોપાલ ચૈતરભાઇ વસાવા તેમજ શાંતાબેન ગોપાલભાઇ વસાવા ત્રણેય રહે.ગામ રાજપરાના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ