ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યના રાજકારણમાં ઠેરઠેર નવા સમીકરણો રચાતા નજરે પડી રહ્યા છે. ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકીની એકમાત્ર આદિવાસી અનામત ઝઘડિયા બેઠક પર હાલમાં વર્તમાન ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડિલ ગણાતા છોટુભાઈ વસાવા તેમજ તેમના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઇ વસાવા વચ્ચે જેડીયુ પક્ષ સાથે તેમની પાર્ટીની ચુંટણી સમજુતી બાબતે વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ બીટીપી દ્વારા તેના જાહેર કરાયેલ સત્તાવાર ઉમેદવારોની યાદીમાં ઝઘડિયા બેઠક માટે મહેશ વસાવાનું નામ જાહેર કરાતા પિતાપુત્ર વચ્ચેનો વિવાદ વિસ્તૃત બન્યો હતો. લાંબા સમયથી વિધાનસભામાં છોટુભાઈ વસાવા ઝઘડિયા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે, ત્યારે હાલ બીટીપી ના નેજા હેઠળ મહેશ વસાવા ચુંટણી લડશે એવું જાહેર કરાતા છોટુભાઈ વસાવાએ પોતે અપક્ષ ચુંટણી લડવાના નિર્ણય સાથે તેમનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું. ઉપરાંત તેમના નાના પુત્ર દિલિપ વસાવાએ પણ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આમ ઝઘડિયા બેઠક પર છોટુભાઈ વસાવા ઉપરાંત તેમના બે પુત્રોએ ઉમેદવારી કરતા આ બાબતને લઇને સમગ્ર જીલ્લાની નજર ઝઘડિયા બેઠક પર કેન્દ્રિત થઇ હતી.
દરમિયાન આજે છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલિપ વસાવાએ તેમનું ઉમેદવારીપત્ર પાછુ ખેંચ્યુ હતું, ત્યારે હજી છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા બન્ને ચુંટણી સ્પર્ધામાં રહેતા હાલની વિધાનસભા ચુંટણીમાં ઝઘડિયા બેઠક પર તીવ્ર રસાકસી થવાના એંધાણ દેખાય રહ્યા છે. જોકે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં પિતાપુત્ર વચ્ચે સમાધાન થશે કે નહી તે બાબત હાલતો સમગ્ર જીલ્લામાં ચર્ચામાં જણાય છે. દર વખતે ઝઘડિયા બેઠક પર છોટુભાઈ વસાવાની પાર્ટી, ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાતો હોય છે. પરંતું હાલ રાજ્યના રાજકારણમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ સક્રીય બનતા ઝઘડિયા બેઠક પર બહુપાંખીયો જંગ ખેલાવાની સંભાવના દેખાય છે. ત્યારે છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઇ વસાવા વચ્ચે ઉમેદવારી કરવાની વાતે કોઇ રીતે સમાધાન શક્ય બને છે કે કેમ તેના પર સમગ્ર જીલ્લાની નજર છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ