ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ પાસે આજે એકાએક ધસી આવેલા લોકોના ટોળા એ ગામ તરફ જતા રસ્તા બ્લોક કરી રસ્તા રોકો આંદોલન શરૂ કરી દેતા સ્થાનિક તંત્ર સહિત પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી, સ્થાનિકોએ બિસ્માર રસ્તા મુદ્દે રસ્તા રોકો આંદોલન કર્યું હોવાનું જણાવ્યું હતું.
ખરચી ગામના સ્થાનિકોનું માનવામાં આવે તો તેઓના ગામ આસપાસ અને ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. રસ્તા પર મસમોટા ખાડા અને ધૂળની ડમરીઓ ઉડવાના કારણે ગ્રામજનોને રસ્તા પરથી પસાર થવું અને ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલીઓ સમાન બન્યું છે.
આજે સવારે માર્ગના સમારકામની માંગ સાથે ખરચી ગામના લોકોએ રસ્તા ઉપર વાહનો અને પથ્થરો મૂકી તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો, સ્થાનિકોનું જણાવવું છે કે અવારનવાર તેઓ દ્વારા રસ્તાના સમારકામ માટે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તેઓની આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો દેખાઈ રહ્યો નથી જેને લઇ આખરે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું છે.
અચાનક ખરચી ગામના લોકો રસ્તા ઉપર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન કરતા સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો તેમજ આંદોલન કરી રહેલા લોકોને સમજાવટ કરવાની તજવીજ હાથધરી હતી, તો બીજી તરફ સ્થાનિક ગ્રામજનોએ પણ વહેલી તકે તેઓના રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી હતી.
હારુન પટેલ : ભરુચ