વિધાનસભાની ચુંટણી જાહેર થતાં ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો પોતાને ટિકીટ મળે તે માટે સક્રીય બન્યા છે. રાજ્યના સ્થાનિક રાજકારણમાં હાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ સક્રીય બની છે. આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉનેદવારોના નામ તબક્કાવાર જાહેર થઇ રહ્યા છે, ત્યારે આજે રાજ્યની સાત બેઠકો માટે આમ આદમી પાર્ટીએ તેના સત્તાવાર ઉમેદવારો જાહેર કર્યા છે. આ સાત ઉમેદવારોમાં ભરૂચ જીલ્લાની ઝઘડિયા બેઠક માટેના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયા બેઠક માટે મુળ ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના વતની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા ઉર્મિલાબેન ભગતની પસંદગી થઇ છે.
ઝઘડિયા બેઠક પર વર્ષોથી છોટુભાઈ વસાવા ધારાસભ્ય તરીકે ચુંટાતા રહ્યા છે. દર વખતે ઝઘડિયા બેઠક પર મુખ્યત્વે છોટુભાઈ વસાવા, ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાતો હતો, જ્યારે હાલ રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ સક્રીય હોઇ, ઝઘડિયા બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉર્મિલાબેન ભગત હાલ અંકલેશ્વર ખાતે રહે છે. ઉર્મિલાબેન આ પહેલા માંગરોળ બેઠક પર માજી મંત્રી ગણપતભાઇ વસાવા સામે અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચુંટણી લડ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ