ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે દુધ મંડળી ખાતે ડિ સેગ પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવાયા મુજબ અછાલિયાની ધી રંગકૃપા દુધ ઉત્પાદક સહકારી મંડળીના ટ્રાયબલ સબ પ્લાન યોજનાના લાભાર્થીઓને ઇરમા આણંદના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી.
અત્રે યોજાયેલ આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અભિનવરાજ વર્મા, રીચર્સ એસોસિએટ સ્નેહલ પટેલ તેમજ ઉદય બિહારી દ્વારા ડિ સેગ પ્રોજેક્ટમાં આવરી લેવાયેલ લાભાર્થીઓ સાથે ચર્ચાઓ કરી હતી, તેમજ તેઓ યોજનાકિય મુશ્કેલીઓ નિવારવા કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદના હોદ્દેદારો સમક્ષ લાભાર્થી બહેનોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે લોન સહાયથી મળતા દુધાળા પશુઓની પાસીંગ પ્રક્રિયા ૩૫ કિલોમીટર દુર નેત્રંગ માર્કેટિંગ યાર્ડ ખાતે કરાય છે, ત્યારે ગામની નજીક તાલુકાના ઝઘડિયા તથા ઉમલ્લા યાર્ડ ખાતે કરાય તો સુલભતા રહે તેમ છે. દુધાળા પશુની સરકાર દ્વારા રુ.૪૩૦૦ યુનિટ કોસ્ટ છે, જેમાં વધારો કરીને રુ.૭૦૦૦ કરાય તે જરુરી છે. દુધધારા ડેરીના કર્મી વિશાલ દેસાઇએ ટ્રાયબલ સબપ્લાન થકી ડેરી દ્વારા અપાતા લાભાલાભની માહિતી સવિસ્તાર આપી હતી. મંડળીના મંત્રી સંતશરણ રાવ, પ્રમુખ રાજુભાઇ રાવ દ્વારા યોજનાઓના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ