ચાલુ સામે ચોમાસાની શરુઆત થયા બાદ સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ થયો હતો. ત્યારબાદ ચોમાસાના અંતિમ દિવસોની શરૂઆતમાં વરસાદે લાંબો વિરામ લીધો હતો. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ દશેરા પર્વની ઉજવણી પુર્ણ થતા દિવાળીના દિવસોની શરુઆત થઇ છે, ત્યારે ગઇકાલથી એકાએક આકાશમાં વાદળો ચઢી આવીને વરસાદ વરસવો શરુ થયો હતો. ગઇકાલથી શરુ થયેલ વરસાદી માહોલ આજે પણ યથાવત રહેતા તાલુકામાં ચોમાસું ફરીથી ખીલ્યુ હોય એમ જણાય છે.
વરસાદના આગમનથી જનતાએ ઉકળાટમાં રાહત અનુભવી હતી. જોકે હાલ ખેતરોમાં ઘણોખરો ચોમાસુ પાક લગભગ પરિપક્વ થવાની તૈયારીમાં છે ત્યારે વરસાદથી કેટલાક ચોમાસુ પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં જણાય છે. ચાલુ સાલે ચોમાસામાં સારો એવો વરસાદ નોંધાયો છે. ચોમાસા દરમિયાન સમગ્ર ઝઘડિયા તાલુકામાં મુશળધાર વરસાદને લઇને તાલુકાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તે સમયે પાણી પણ ભરાયા હતા. ચાલુ સાલે વરસાદ સારા પ્રમાણમાં વરસતા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી ઉપરાંત અન્ય નાની નદીઓ ઘણીવાર બે કાંઠે વહેતી જોવા મળી હતી. લાંબા વિરામ બાદ ગઇકાલથી શરુ થયેલ વરસાદને લઇને તાલુકામાં ચોમાસુ માહોલ છવાયો છે. વરસાદના આગમનની અસર સ્વાભાવિક રીતે જનજીવન પર પણ હોવા મળી હતી. વરસાદને લઇને તાલુકાના બજારોમાં જોઇએ એવી ઘરાકી દેખાતી નહતી. તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર પણ વાહનોની અવરજવર નહિવત જણાતી હતી. આમ દશેરા બાદ દિવાળીની નજીકના દિવસોમાં તાલુકામાં પુનઃ વરસાદી માહોલ છવાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ