ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામેથી પાવાગઢ સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પગપાળા પ્રવાસમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. આ યાત્રાળુઓ ચાલીને પાવાગઢ પહોંચશે. ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય અરૂણભાઇ વસાવા, જગદીશભાઈ વસાવા તેમજ વિદ્યાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ ૭૦ જેટલા યાત્રીઓ આ પગપાળા સંઘમાં જોડાયા છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આ પગપાળા યાત્રાનું આયોજન વિદ્યાબેન વસાવાના સહયોગથી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએથી અવારનવાર ડાકોર, ફાગવેલ, મીનાવાડા તેમજ પાવાગઢ જેવા તીર્થ સ્થાનોએ જવા માટે પગપાળા સંઘ યાત્રાઓનું આયોજન કરવામાં આવતું હોય છે, અને તેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાય છે. આવા પગપાળા સંઘ વિવિધ ગામોએ થઇને પોતાના નિર્ધારિત સ્થળોએ પહોંચતા હોય છે, અને રસ્તામાં આવતા ગામોએ ભાવિક જનતા દ્વારા આ પગપાળા યાત્રિકોનું સ્વાગત કરવામાં આવતું હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ