ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે મીશન શાળામાં કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનુની સેવા સમિતિ ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના બાળકોને જરુરી કાનુની જાણકારીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૯ (ક) કે જે રાજ્ય નિતીના માર્ગદર્શક સિધ્ધાંતોના પ્રકરણમાં સમાવિષ્ટ છે તેમાં ઠેરવેલ છે કે સમાન તકના ધોરણે અને સુયોગ્ય મફત કાનુની સહાય અથવા યોજના અન્ય કોઇ રીતે તકો મારફતે ન્યાયની ચોક્કસ ખાતરી આપવી જેથી આર્થિક કે બીજી અક્ષમતાઓના કારણે તેઓ ન્યાયથી વંચિત ના રહે. આ ઉદ્દેશ સિધ્ધ કરવા માટે લિગલ સર્વિસિસ ઓથોરિટી એક્ટ ૧૯૮૭ ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ છે, અને તે કાયદા મુજબ જરુરતમંદ લોકોને મફત અને સક્ષમ કાનુની સહાય મળી રહે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.
આ બાબતે લોકોને પોતાના હક્કોની જાણકારી મળે તે અંગે કાયદાકીય જાગૃતતા લાવવાનું કામ રાજ્ય તેમજ જીલ્લા સ્તરે કાનુની સેવા સત્તામંડળ દ્વારા કરવામાં આવે છે. ઝઘડિયા મુકામે યોજાયેલ કાર્યક્રમમાં કાયદા તજજ્ઞો દ્વારા બાળકોને રક્ષણના કાયદા(પોક્સો) સંબંધી કાનુની જાણકારી આપવામાં આવી. પોક્સો અધિનિયમ બાળકોને જાતિય હુમલા, જાતિય સતામણી અને અશ્લીલ સાહિત્ય અંગેના ગુનાઓ સામે રક્ષણ આપવા માટે અને આવા ગુનાઓ સંબંધે ઇન્સાફી કાર્યવાહી ચલાવવા માટે વિશિષ્ટ અદાલતોને પ્રસ્થાપિત કરવા અને આવી બાબતો સાથે સંબંધિત અથવા સંલગ્ન ઘટના અંગેની જોગવાઇ કરે છે. આયોજિત કાર્યક્રમમાં પોક્સોના કાયદા અંતર્ગત બાળકોને રક્ષણ પુરુ પાડવા સંબંધી જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત પોક્સો કાયદા નીચે ભોગ બનનારને મળતા અધિકારો તેમજ પોક્સોની ઇન્સાફી કાર્યવાહી સંબંધી અગત્યના મુદ્દાઓ તેમજ આવા ગુનાના આરોપીઓને માટે જે કડક સજાની જોગવાઇ છે તે સંબંધી જાણકારી પણ આપવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ