ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પથ્થરની બે ક્વોરીઓમાં તસ્કરો ત્રાટકતા બન્ને ક્વોરીઓમાંથી કુલ રૂ. ૮૦૦૦૦ નો સામાન ચોરાયો હતો. ચોરીની પ્રથમ ઘટનામાં ઝઘડિયા તાલુકાના જેસપોર નજીક આવેલ સાગર ક્વોરીમાંથી ગત તા.૨૦ મીના રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા તસ્કરો લોખંડની પ્લેટો, પટ્ટા ખેંચવાના હુક, રોલર સ્ટેન્ડ ઉપરાંત અન્ય કેટલોક સામાન મળી કુલ રુ.૬૧૦૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હતા. ઘટના સંદર્ભે ક્વોરી માલિક ચંદ્રકાન્તભાઇ વસાવા રહે.બલેશ્વર તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
જ્યારે ચોરીની બીજી ઘટનામાં તાલુકાના ભીલવાડા ગામ નજીક આવેલ શીવશક્તિ ક્વોરીમાંથી પણ ગત તા.૧૮ મી દરમિયાન કોઇ અજાણ્યા ચોર રુ.૧૯૦૦૦ જેટલી કિંમતનો સામાન ચોરી ગયા હતા. ચોરીની આ ઘટના સંદર્ભે ભાવેશભાઇ વેલાણી રહે.ઝાડેશ્વર ભરૂચનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઇડીસીમાં અવારનવાર ચોરીઓની ઘટના બનતી હોય છે, ત્યારે હવે તસ્કરો પથ્થરની ક્વોરીઓને પણ નિશાન બનાવવા સક્રીય થતાં ક્વોરી માલિકોમાં ચિંતા ફેલાવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ