ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની દરગાહ શરીફનો ચસ્મો (પાણીનો કુંડ) તા.૨૨ મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ બપોરના સમય દરમિયાન વધાવવામાં આવશે. જણાવાયા અનુસાર વડોદરા સ્થિત હઝરત કમાલુદ્દિન બાવા તેમજ બાવાગોર દરગાહ સ્થળના હાલના ગાદીનશીન હઝરત જાનુબાપુના હસ્તે પરંપરાગત ફુલ, ધાણી અને નાળિયેરથી ચસ્મો વધાવવામાં આવશે. ઉલ્લેખનીય છેકે આ ચસ્મો (પાણીનો કુંડ) આ પહાડ પર હઝરત બાવાગોરના સમયથી આઠસો વર્ષ જેટલા સમયથી અત્રે મોજુદ છે, અને દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે પરંપરાગત ચસ્મો વધાવવાની વિધિ સંપન્ન કરવામાં આવે છે. ચસ્મો વધાવવાના દિવસે દરગાહ શરીફના પહાડ પર અને નીચે તળેટીમાં ભવ્ય મેળો ભરાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજ્ય બહારના પણ ઘણા સ્થળોએથી શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે, અને હઝરતની મુબારક દુઆઓથી પોતાની મનોકામનાઓ પુર્ણ કરે છે. બાવાગોર આવવા માટે ઝઘડિયા અને રાજપારડીથી વાહનોની સગવડ મળે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ