વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભરૂચ રનીંગ ક્લબ દ્વારા આ વર્ષે પણ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અને રન ફોર યુનિટીના નેજા હેઠળ ૧૦૦ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભરૂચ સુધી બે દિવસની આ દોડમાં ભાગ લેનાર દોડવીરો આજરોજ ઝઘડિયા ખાતે આવી પહોંચ્યા હતા. ઝઘડિયા ખાતે ઝઘડિયાના ઉપસરપંચ અને ભરુચ જીલ્લા ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી વિનોદભાઇ વસાવા, જીલ્લા વેપારી સેલના સંજયસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર તેમજ અગ્રણીઓ દ્વારા દોડવીરોનું સ્વાગત કરીને તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
ભરૂચ રનીંગ ક્લબ દ્વારા યોજાયેલ દોડમાં શુક્રવારના રોજ સવારે સાત વાગ્યે ૪૧ દોડવીરોએ દોડનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસે ૬૦ કી.મી. ની દોડ પૂરી કર્યા બાદ ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે દોડવીરોએ રાત્રિ વિરામ કર્યો હતો, ત્યારબાદ આજે સવારે રાજપારડીથી દોડનું બીજું ચરણ ચાલુ થયું હતું જેમાં સવારે ૧૦ કલાકે દોડવીરો ઝઘડિયા ખાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ દોડના કાર્યક્રમનું ભરૂચ ખાતે બપોરે ૩ કલાકે સમાપન થશે. આ પ્રસંગે ભાગ લેનાર દોડવીરોએ જણાવ્યું હતું કે તેમનું મુખ્ય લક્ષ પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અને રન ફોર યુનિટી છે. મહિલા દોડવીરોએ આ બાબતે મહિલાઓને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ રનીંગ કલબના સભ્યો દ્વારા પાવાગઢ ડુંગર દોડીને ચડવામાં આવ્યો હતો, તેમ ભરૂચ કલબના સભ્ય વિશાલભાઈ પારેખે જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ