ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામે ભાઇએ તેના ભાઇને આપેલ ૫૦૦ રૂ. પરત આપવાની વાતે થયેલ ઝઘડામાં બે મહિલાઓ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તાલુકાના પડવાણીયા ગામે રહેતા રમણભાઈ સુરજીભાઇ વસાવાએ બે વર્ષ પહેલા તેના ભાઇ હરાધીયાભાઇ સુરજીયાભાઇ વસાવાને રુ.૫૦૦ આપ્યા હતા. જેની વારંવાર ઉઘરાણી કરવા છતાં ભાઇએ પાછા આપ્યા ન હતા. દરમિયાન ગત તા.૧૫ મી ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં હરાધિયાભાઇ તેના ભાઇના ઘરની આગળ આવીને કહેવા લાગ્યો હતો કે તમારા પૈસા હું આપવાનો નથી, એમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ આ બાબતે બે ભાઇઓ વચ્ચે થયેલ ઝઘડો થયો હતો. હરાધિયાભાઇનું ઉપરાણું લઇને તેની પત્ની તેમજ પુત્રી પણ ત્યાં આવી ગયા હતા. આ ઝઘડામાં રમણભાઇને ઢિકાપાટુનો માર માર્યો હતો. રમણભાઈની પત્ની બારકીબેન છોડાવવા વચ્ચે પડતા તેમને લાકડીનો સપાટો માથામાં વાગ્યો હતો. ત્યારબાદ આ લોકો ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત બારકીબેનને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ ઘટના બાબતે બારકીબેન રમણભાઈ વસાવા રહે.ગામ પડવાણીયા તા.ઝઘડિયાનાએ હરાધિયાભાઇ સુરજીયાભાઇ વસાવા, આંબીબેન હરાધિયાભાઇ વસાવા તેમજ ગીતાબેન હરાધિયાભાઇ વસાવા ત્રણેય રહે.ગામ પડવાણીયા નવી વસાહત તા.ઝઘડિયા જી.ભરુચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ