ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકને જોડતા માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થયા છે, માર્ગ પર મસ મોટા ખાડાના કારણે વાહન લઇ પસાર થવું પણ જોખમી બન્યું છે,બિસ્માર રસ્તાના કારણે છાશવારે આ માર્ગ પર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે, તંત્રમાં અવારનવાર રજુઆતો કરવા છતાં આજદિન સુધી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી,જેને પગલે લોકોની હાલત કફોડી બની છે.
આજે સવારના સમયે ઝઘડિયા બસ ડેપોથી અંકલેશ્વર ડેપો તરફ આવતી મીની એસ ટી બસના પાછળનો ટાયર આચનક ચાલુ બસે ગુમાનદેવ નજીમ નીકળી જતા બસમાં સવાર ૨૦ થી વધુ મુસાફરોના જીવ ટાળવે ચોટયા હતા, બસનું ટાયર નીકળી જતા રસ્તા વચ્ચે જ મુસાફરો અટવાઇ જતા અન્ય વાહનો મારફતે તેઓને પોતાના સ્થાને પહોંચવા માટે મજબૂર બનવું પડ્યું હતું, માનવામાં આવી રહ્યું છે કે બિસ્માર માર્ગ અને મસ મોટા ખાડાના કારણે ટાયરની એક્સલ તૂટી જતા આ અકસ્માત સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બિસ્માર માર્ગના કારણે થોડા દિવસો અગાઉ સ્થાનિકો દ્વારા અકસ્માતની ઘટના બાદ એક ડમ્પરમાં આગ ચંપી જેવા બનાવો પણ બન્યા હતા સાથે જ લોકો એ ચક્કાજામ કરી બિસ્માર માર્ગનું રીપેરીંગ કાર્ય વહેલી તકે તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી તેમ છતાં આજ દિન સુધી તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે વધુ એક અકસ્માત સર્જાતા લોકોમાં વધુ એકવાર તંત્ર પ્રત્યે આક્રોશની લાગણી છવાઇ છે.
હારૂન પટેલ : ભરૂચ