ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ પંચાયત ઈ ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો (વીસીઇ) દ્વારા આજરોજ ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી તથા ઝઘડિયા મામલતદારને વિવિધ માંગણીઓના મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું. આ અંગે જાણવા મળ્યા મુજબ છ વર્ષ જૂની માંગણીઓનો કોઈ ઉકેલ નહિ આવતા વીસીઇ કર્મચારીઓ છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતર્યા છે. દરમિયાન આજરોજ તેમણે આપેલ આવેદનમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ દ્વારા ૨૦૧૬ માં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી. મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પંચાયત વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિર્ણય ન થતા ગત તા.૨૧.૧૦.૨૧ ના રોજ થી અચોક્કસ મુદત માટે હડતાળ કાર્યક્રમ રાખવાનું નક્કી થયેલ હતું, પરંતું સરકાર તરફથી બાંહેધરી મળતા આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. પંચાયત મંત્રી તેમજ મુખ્યમંત્રી સાથે થયેલ બેઠકોમાં આપવામાં આવેલ બાંહેધરીના આધારે કાર્યક્રમ મોકૂફ રાખેલ હતો, પરંતું તેને આઠ મહિના જેટલો સમય વીતવા છતાં કોઈ નિર્ણય નહીં થતાં ફરીથી ગત તા. ૪.૫.૨૨ ના રોજ પંચાયત મંત્રી સાથે બેઠક કરવામાં આવેલ હતી, જેમાં પંચાયત મંત્રીએ કમિટી બનાવી તમામ માંગણીઓ બાબતે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. પરંતું તે વાતને ત્રણ મહિના થવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ થયું નથી.
છેલ્લા ૧૬ વર્ષથી ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજનાઓ સંબંધે વીસીઈ કામ કરે છે, તેમ છતાં સરકાર દ્વારા ન્યાય આપવામાં આવ્યો નથી તે ખૂબ દુખદ ઘટના છે, તેમ આવેદનમાં જણાવાયું હતું. આવેદનમાં માંગણી કરવામાં આવી હતી કે કમિશન બેઝ ઇગ્રામ પોલિસી હટાવી ફિક્સ વેતન સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સરકાર સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરી વર્ગ-૩ ક્રમમાં સમાવેશ કરવામાં આવે, સરકારી લાભો અને રક્ષણ આપી સમાન કામ સમાન વેતન આપવામાં આવે, આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વીમા કવચ આપવામાં આવે, જોબ સિક્યુરિટી અને છુટા કરેલ વીસીઈને પરત લેવા, કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઈને આર્થિક સહાય આપવામાં આવે, સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે, વીસીઈની કામગીરી બાબતે જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ આવેદનમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વીસીઇની પડતર માંગણીઓના કારણે તેઓ ગત તા.૮.૯.૨૨ ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર બેઠા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ