ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારા પર તંત્ર દ્વારા આડેધડ લીઝોની ફાળવણી કરવામાં આવી છે, લીઝોમાંથી રેતી ખનન દરમિયાન કોઈ નીતિ નિયમોનું પાલન થતું નથી જે જાહેર છે. ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે જે લીઝો ફાળવવામાં આવી છે તે લીઝોમાંથી આડેધડ ખનન પ્રક્રિયા થઇ રહી છે. તરસાલી ગામને અડીને આવેલા પટમાં ખૂબ ઉંડા ખાડાઓ પડી ગયા છે એટલી હદે ખનન થઈ રહ્યું છે છતાં તેમને કોઈ કહેવા વાળું નથી. ગતરોજ તરસાલી ગામના બે મિત્રો મોહસીન એહમદ મલેક અને મકદુમ નર્મદા કિનારે નાહવા પડ્યા હતા. તે દરમિયાન બંને મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા પરંતુ ત્યાં સ્થાનિક નાવડીવાળાની મદદથી મોહસીનનો આબાદ બચાવ થયો હતો જ્યારે મકદૂમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ભારે શોધખોળ બાદ ૨૪ કલાકે તેની લાશ તરસાલીના કિનારેથી મળી આવી હતી. રેતીની લીઝો વાળાના ભોગે વધુ એક યુવકે તેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.તરસાલી ગામમાં ફાળવવામાં આવેલી લીઝોના સંચાલકો નીતિ નિયમ મુજબ રેતીનું ખનન કરે તે ઇચ્છનીય છે નહીં તો ડૂબવાના વધુ કિસ્સાઓ સામે આવે તો નવાઈ નહીં.
ઝઘડીયા : તરસાલીની રેતીની લીઝોનાં ખાડાઓએ વધુ એક યુવાનનો ભોગ લીધો.
Advertisement