ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કપાટ ગામેથી પોલીસે સટ્ટા બેટિંગના આંક ફરકના જુગાર સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કપાટ ગામે વચલુ ફળિયામાં રહેતો સંજય રસીક વસાવા તેના ઘરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડે છે.
પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ઘરના પાછળના ભાગે આંબાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં નીચે બેસીને એક ઇસમ ચાલુ મોબાઇલ ફોને એક બુકમાં કંઇક લખતો જણાયો હતો અને કેટલાક ઇસમો બાજુમાં બેઠેલા હતા. એક ઇસમ રુપિયા આપીને કંઇક લખાવતો હતો. પોલીસને જોઇને આ લોકો નાશભાગ કરવા લાગ્યા હતા. પોલીસે નીચે બેસીને લખનાર રૂપિયા લેનારને સ્થળ ઉપર રોકી લીધો હતો. આ પકડાયેલ ઇસમને તેનું નામ પુછતા સંજય રસીક વસાવા રહે.વચલું ફળિયું,ગામ કપાટ, તા.ઝઘડિયાના હોવાનું તેણે જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી સટ્ટા બેટિંગના વિવિધ આંકડા લખેલ બુક સાથે રોકડા રુપિયા મળી કુલ રુ.૧૧,૬૧૦ નો મુદ્દામાલ કબજે લઇને ઝડપાયેલ સંજય વસાવા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ