ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવેલ સિલિકા પ્લાન્ટ્સના સંચાલકો દ્વારા છોડવામાં આવતા પ્રદુષિત પાણીથી ખેતીની જમીનોને નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
આજરોજ તા.૪ નાં રોજ રાજપારડી માધવપુરા ગામના ખેડૂતોએ ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરીને સિલિકા પ્લાન્ટ્સના સંચાલકો દ્વારા છોડાતા પ્રદુષિત પાણીથી ખેતીને થતું નુકશાન અટકાવવા માંગ કરી હતી. ખેડૂતોએ કરેલ રજુઆતમાં જણાવાયા મુજબ રાજપારડીના જીએમડીસી નજીકના વિસ્તારમાં કેટલાક મોટા સિલિકા પ્લાન્ટ્સ આવેલા છે. આ પ્લાન્ટ્સમાં સિલિકા વોશ કરેલ પ્રદુષિત પાણી નજીકના કોતર તેમજ વરસાદી કાંસમાં છોડવામાં આવે છે. અને આ પ્રદુષિત પાણી રાજપારડીના કેટલાક રહેણાંક વિસ્તારો સહિત ખેતરોમાં ભરાઇ જાય છે. આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ સિલિકા પ્લાન્ટ્સ સંચાલકોને આ પ્રદુષિત પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાનું વારંવાર કહેવા છતાં તેઓ આ બાબતે કોઇ ધ્યાન આપતા નથી. આ પ્રદુષિત પાણી ખાડી અને નહેરના પાણી સાથે મળીને ખાડીનું પાણી પણ પ્રદુષિત થાય છે, અને આવું પ્રદુષિત પાણી પશુઓના પીવામાં આવતા પશુઓનું મોત પણ થતું હોય છે. કાયમની આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ ખેતીને થતું નુકશાન અટકાવવા આવા ઇસમો સામે કાયદેસર પગલા લેવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સિલિકા પ્લાન્ટ્સમાં કેટલા તેને યોગ્ય નિયમોનું પાલન કરે છે અને કેટલા કોના બાપની દિવાળી, એ મુજબ ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે એ બાબતે યોગ્ય અને તટસ્થ તપાસ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં ઠેરઠેર સિલિકાના પ્લાન્ટ્સ ઢગલાબંધ કાર્યરત જોવા મળે છે. જીલ્લાનો ખાણખનીજ વિભાગ પણ આ બાબતે મૌન બેઠો હોય એમ હાલતો જણાઇ રહ્યું છે. જીલ્લાનું ખાણખનીજ વિભાગ તાકીદે રાજપારડી પંથકમાં આવીને બેફામ બનેલ ખનીજ માફિયાઓને નિયમો શીખવાડે તે જરુરી બન્યું છે. જો તંત્ર આ બાબતે યોગ્ય રસ નહિ બતાડે તો નાછુટકે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો પણ અપનાવે તોપણ નવાઇ નહિ ગણાય. ત્યારે આજરોજ તાલુકા વિકાસ અધિકારીને જે રજુઆત થઇ છે તેને લઇને તાલુકા વિકાસ અધિકારી કેવા પગલા ભરે છે તેના તરફ હાલતો સહુની નજર છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ