ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મઢી નજીક એક ખેતરમાંથી નવ ફુટ જેટલો લાંબો અજગર ઝડપાયો હતો. મળતી વિગતો મુજબ આજરોજ એક ખેતરમાં અજગરે દેખા દેતા સ્થાનિકોએ વન્ય જીવ રક્ષકો સુનિલ શર્મા અને દિપક માલીને જાણ કરતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. થોડી જહેમત બાદ આ લોકોએ અજગરને સલામત રીતે ઝડપી લીધો હતો. આ ઝડપાયેલ અજગર નવ ફુટ જેટલો લાંબો હોવાનું જણાવાયું હતું. ખેતરમાંથી મહાકાય અજગર ઝડપાતા તેને નીહાળવા લોકો ઉમટી પડ્યા હતા. આ ઝડપાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી મુકવામાં આવશે એમ જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં અવારનવાર અજગર જેવા સરીસૃપ વર્ગના પ્રાણીઓ જોવા મળે છે. હાલ ચોમાસું ચાલુ છે ત્યારે આવા પ્રાણીઓ ખેતરો તેમજ વગડા જેવા વિસ્તારોમાં જોવા મળતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ