ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રુપણિયા રાજપરા પંથકના ગામો માટે ચોમાસામાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે. આ પંથકના અંદરના ગામો રુપણિયા રાજપરા સમરપરા નાનાસોરવા જેવા ગામો માટે ચોમાસા દરમિયાન રાજપારડી ઉમલ્લા તરફ આવવા જવામાં ભારે તકલીફરુપ સ્થિતિ સર્જાય છે.
રાજપરાના અગ્રણી અશોકભાઈના જણાવ્યા મુજબ ચોમાસામાં માધુમતિ ખાડીમાં ભરપુર પાણી હોય ત્યારે આ પંથકના ગામોના લોકોએ રાજપારડી ઉમલ્લા તરફ જવુ હોય તો હરિપુરા તરફ આવવા જવા જોખમે ખાડી ઓળંગવી પડે છે. ખાડી ઓળંગ્યા સિવાય રાજપારડી તરફ આવવું હોય તો હિંગોરીયા થઇને દસ કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને નેત્રંગ રોડ પર હિંગોરીયાના પાટિયે અવાય છે, અને તે પણ કાચો રસ્તો હોઇ વરસાદ પડતા કિચ્ચડવાળો બની જાય છે. આમ બન્ને તરફ હાલાકિ ભોગવતા આ પંથકના લોકો તકલીફનું નિવારણ કરે તેવા કોઇ વ્યવસ્થિત આયોજનની રાહ જોઇ રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં બિમારીના સમયે રાત્રી દરમિયાન જો એમ્બ્યુલન્સને બોલાવવી હોય તો તે પણ શક્ય નથી બની શકતું. હાલ ચોમાસા દરમિયાન મધુમતિ ખાડીના ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ખાડી બે કાંઠે વહેતી થઇ હતી. જીવના જોખમે ખાડી ઓળંગતા આ પંથકના લોકો માટે આ બાબત ક્યારેક દુર્ઘટનારુપ પણ બની શકે. ત્યારે ચોમાસા બાદ એક નવા આયોજન સાથે આ પંથકના લોકો માટે ખાડી પર વ્યવસ્થિત નાળુ (છલિયું ) બનાવવામાં આવે તો આ પંથકના અંદરના ગામોની હાલાકિ દુર થાય તેમ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ