ઝઘડિયા તાલુકાનાં ફૂલવાડી ગામમાં સર્પે ઘરમાં સૂતેલા પુત્રને ડંખ મારતા આઘાતમાં આવેલી માતાને હાર્ટએટેક આવતા મૃત્યુ પામી છે. જ્યારે પુત્રને ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઝઘડિયા તાલુકો એક આદિવાસી પટ્ટીમાં આવેલો છે અને ઔદ્યોગિક એકમો પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જી.આઇ.ડી.સી હોવાના કારણે સમગ્ર ભારતમાંથી પરપ્રાંતિયો રોજગારી મેળવવા આવતા હોય છે અને આસપાસના ગામોમાં મકાનો ભાડે રાખી રહેતા હોય છે. ઝઘડિયા તાલુકાનાં ફૂલવાડી ગામમાં એક કુટુંબ પોતાના પુત્ર સાથે ઘરમાં સૂઈ રહ્યા હતા. રાત્રિના અંધારામાં ઘરમાં સૂતેલા શંકર કુરવેના પુત્રને કોઈ ઝેરી જાનવરે અથવા સર્પે દંશ દીધો હતો. જોત-જોતામાં તેની હાલત ગંભીર થતી જતી હતી તેને નજીકના દવાખાને તપાસ અર્થે લઈ જતાં હાજર તબીબોએ તેને બીજા દવાખાને ખસેડવાની સલાહ આપી હતી. તેથી તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સિવિલમાં સારવાર લઈ રહેલા પુત્રને જોઈ તેની માતાની તબિયત અચાનક બગડી હતી. પોતાના વ્હાલસોયા પુત્રને આ હાલતમાં જોઈ માતા ઢળી પડી હતી. તબીબો દોડી આવી તેની તપાસ કરતાં તેનું મૃત્યુ થયું હતું. પુત્રની ચિંતામાં માતાને અચાનક હાર્ટએટેકનો હુમલો થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મરણ જનાર માતાને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી જયારે પૂરત સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.