તાજેતરમાં રાજ્યના બરવાળા અને ધંધુકા તાલુકાઓમાં થયેલ લઠ્ઠાકાંડને લઇને ૩૬ જેટલા લોકોના મોત નીપજ્યા છે, ત્યારે આ ઘટનાને લઇને ભરૂચ જીલ્લામાં પોલીસે બુટલેગરો પ્રત્યે લાલ આંખ કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે રાજ્યમાં થયેલ આટલા મોટા જીવલેણ દારુકાંડથી ગુજરાતમાં દારુબંધી નામ માત્રનીજ રહી ગઇ હોવાનું બહાર આવી ગયું છે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ દધેડા ગામેથી ગઇકાલે ઝઘડિયા પોલીસે મુળ આંધ્રપ્રદેશનો અને હાલ દધેડા ગામે રહેતો પુટ્ટા સૈયદુલુ પુટ્ટા વેન્કટયાને હાથ બનાવટની નુકશાનકારક તાડી બનાવતો ઝડપી લીધો હતો. આ ઇસમ રુમમાં ગેરકાયદેસર રીતે તાડી બનાવવાના પદાર્થ જેવાકે સેકરીન સાઇટ્રીક એસિડ મોનોહાઇટ્રેટ ચુનો સફેદ પાવડર લીંબુફુલ તેમજ અન્ય એક પીળો પદાર્થ, પાણી મિશ્રણ કરીને પીવાની નુકશાનકારક બનાવતો ઝડપાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઉપરાંત આ ઇસમ પાસેથી પોલીસને એક મીણીયા થેલામાં સફેદ પ્રવાહી ભરેલ ૧૩૫ નંગ પોટલીઓ પણ મળી આવી હતી. પોલીસે આ ઇસમ પાસેથી રોકડા રુપિયા તેમજ હાથ બનાવટની તાડી બનાવવામાં ઉપયોગી સામાન મળી કુલ રુ. એક લાખ રુપિયા ઉપરાંતનો સામાન કબ્જે લીધો હતો. જ્યારે અન્ય બીજી ઘટનામાં ઝઘડિયા પોલીસે બોરીદ્રા ગામેથી પાવન ચીન્ના કોટૈહા બેજાવાડા નામના ઇસમને તાડી ભરેલ કુલ ૩૬૮ જેટલી પોટલીઓ સાથે ઝડપી લીધો હતો. ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં ખુબ મોટી સંખ્યામાં પર પ્રાંતિય ઇસમો કામ કરતા હોય છે. તાલુકાના જીઆઇડીસી વિસ્તારના દધેડા ગામેથી એક પર પ્રાંતિય ઇસમ હાથ બનાવટની નુકશાનકારક તાડી બનાવતા ઝડપાયો તે બતાવે છે કે તાલુકામાં ગેરકાયદેસર નુકશાનકારક નશાકારક વસ્તુઓ વેચવાનું લાંબા સમયથી ચાલી રહ્યુ છે. ઉલ્લેખનીય છેકે જીઆઇડીસીમાં કામ કરતા ઘણા બહારના ઇસમો જીઆઇડીસી વિસ્તારના કેટલાક ગામોએ મકાનો ભાડે રાખીને રહેતા હોય છે. ત્યારે મકાન માલિકો રાજ્ય બહારના ઇસમોને મકાનો ભાડે આપતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવે છે કેમ, એ પણ એક સવાલ ઉભો થાય છે. અને પર પ્રાંતિય ઇસમ જ્યારે નુકશાનકારક હાથ બનાવટની તાડી બનાવતા ઝડપાય ત્યારે પર પ્રાંતિય ઇસમો તાલુકાની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની શંકાઓ પણ જણાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ