ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામના એક ૩૦ વર્ષીય યુવકનું મોટરસાયકલ સ્લીપ મારી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતું. ઉમલ્લા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાયસીંગપુરા ગામે રહેતો રવિશભાઇ ઉર્ફે દેવો નરેશભાઇ વસાવા નામનો યુવાન ગતરોજ રાતના બારેક વાગ્યાના અરસામાં તેના પિતરાઇ ભાઇની મોટરસાયકલ લઇને ઘરેથી બહાર નીકળ્યો હતો. ત્યારબાદ થોડીવારમાં ખબર મળી હતી કે રવિશ મોટરસાયકલ લઇને ઉમલ્લા આવતો હતો ત્યારે દુમાલા વાઘપુરા નાળા પાસે મોટરસાયકલ સ્લીપ મારી ગઇ છે. ઘટનાની જાણ થતા તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રવિશ ઉર્ફે દેવો રોડ ઉપર નીચે પડેલ હતો અને માથાના પાછળના ભાગે વાગેલ હોઇ માથામાંથી તેમજ નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. તે દરમિયાન એમ્બ્યુલન્સ આવતા એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા રવિશનું મોત થયુ હોવાનું જણાવાયું હતું. મૃતદેહને ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લઇ જવાયો હતો. અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતકના ભાઇ નયનેશભાઇ વસાવા રહે.રાયસીંગપુરા, તા.ઝઘડિયા, જી.ભરૂચનાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ