ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાનો ધોલીડેમ ઓવરફ્લો થવાની નજીક આવી ગયેલ હોઇ માધુમતિ નદીના કાંઠા વિસ્તારના ૧૩ જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ધોલી સિંચાઇ પેટાવિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા બહાર પડાયેલ એક યાદીમાં જણાવાયા મુજબ ધોલી ગામ નજીક આવેલ આ ધોલીડેમાં ૯૦.૦૪ ટકા જેટલા હાઇ એલર્ટ સ્ટેજ સુધી પાણી ભરાતા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમમાં હાલ ૫૮૮ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ઠલવાઇ રહ્યો છે. તેને લઇને માધુમતિ નદીના કાંઠા વિસ્તારના ધોલી, રઝલવાડા, બીલવાડા, કાંટોલ, મોટાસોરવા, કપાટ, તેજપુર, હરીપુરા, સારસા, રાજપારડી, વણાકપોર, જરસાડ તેમજ રાજપુરા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે. આની જાણ સંબંધિત વિભાગોને પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે માધુમતિ નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ધોલીડેમમાં પાણીનો મોટો જથ્થો ઠલવાઇ રહ્યો છે તેને લઇને ડેમ ઓવરફ્લો થતાં માધુમતિ નદીમાં પુર આવવાની સંભાવનાને લઇને કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ