હાલ ચોમાસુ પુરબહારમાં ખીલ્યુ છે, સમગ્ર રાજ્યમાં વિતેલા ત્રણ દિવસો દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. ગુજરાતની મોટામાં મોટી નદી નર્મદા મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા જીલ્લો પસાર કરીને નર્મદા વડોદરા અને ભરૂચ જીલ્લાના પ્રદેશમાંથી વહીને આગળ ખંભાતના અખાતને મળે છે. હાલમાં છોટાઉદેપુર નર્મદા વડોદરા અને ભરૂચ જીલ્લામાં છેલ્લા ત્રણેક દિવસોથી થઇ રહેલ વ્યાપક વરસાદને લઇને છોટાઉદેપુરની ઓરસંગ સહીતની આ જીલ્લાઓની અન્ય નદીઓ પાણીથી છલકાઇ હતી. નર્મદાને મળતી નદીઓનું પાણી તેમજ કિનારાના ગામોએ થયેલ ભારે વરસાદનું પાણી નર્મદામાં આવતા આજે નર્મદા નદી ચાલુ મોસમમાં પહેલીવાર બે કાંઠે વહેતી જોવા મળી હતી.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ નજીકથી વહેતી નર્મદા આજે બે કાંઠે વહેતા મનોરમ્ય નજારો જોવા મળ્યો હતો. ભાલોદ નર્મદા કિનારે બે કાંઠે વહેતી નર્મદાને નિહાળવા લોકટોળા ઉમટ્યા હતા. વરસાદના ધમાકેદાર આગમનથી ગરમીમાં મોટી રાહત અનુભવતા ગ્રામજનોએ બે કાંઠે વહેતી નદી નિહાળી હતી. જોકે રાજ્યમાં થયેલ વ્યાપક વરસાદને લઇને નર્મદા નદી આજે બે કાંઠે વહેતી જોવા મળી હતી. જોકે નર્મદા નદીના ઉપરવાસમાં જોઇએ તેવા વરસાદના અભાવે ડેમ હજી તેના સામાન્ય લેવલ પર હોવાનું જાણવા મળ્યુ હતુ. આજે સાંજે ચાર વાગ્યાના સમયે નર્મદા ડેમનું પાણીનું લેવલ ૧૧૬.૫૧ મીટર, પાણીની આવક ૧૮૨૩૨૬ ક્યુસેક જ્યારે જાવક નીલ હોવાની વિગતો જાણવા મળી હતી. ડેમનું પાણીનું લેવલ ૧૨૧.૯૨ મીટર થાય ત્યારે ભયજનક સપાટી નજીકની સ્થિતિએ પહોંચતો હોય છે. આજે ભાલોદ ખાતે બે કાંઠે વહેતી નર્મદા નદીનો મનોરમ્ય નજારો લોકોએ નિહાળ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ