ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં જાહેર માર્ગો પર આડેધડ મોટા વાહનો કતારબંધ ઉભા રખાતા હોઇ ટ્રાફિક સમસ્યા પેદા થતી દેખાય છે.
મળતી વિગતો મુજબ વાહનો પાર્ક કરવા જીઆઇડીસીમાં પાર્કિંગ સ્થળ બનાવાયેલ છે, છતાં કેટલીક કંપનીઓ આગળ જાહેર માર્ગ પર આડેધડ રીતે લાઇનબંધ ઉભા રખાતા વાહનોને લઇને સર્જાઇ રહેલી ટ્રાફિક સમસ્યા કેમ તંત્રને ધ્યાને નથી આવતી? જીઆઇડીસીમાં જાહેર માર્ગો પર કતારબંધ ઉભા રહેતા હેવી વાહનો અન્ય વાહનો માટે તકલીફનું કારણ બનતા હોવા છતાં જવાબદાર તંત્ર કેમ આવા વાહનો તેમજ આ વાહનો આધારિત કંપનીઓ પર કોઇ કાર્યવાહી નથી કરતુ? જીઆઇડીસીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ સ્ટેશન છે, ઉપરાંત નોટીફાઇ એરિયા કચેરી તેમજ જીઆઇડીસી એસોસિયેશને પણ આવી બધી બાબતો માટે પોતાની ફરજ બજાવવા આગળ આવવાનું હોય તેને બદલે તંત્ર આવી બાબતો પ્રત્યે આંખ મિચામણા કરે ત્યારે તંત્રની કામગીરી પણ શંકાના દાયરામાં આવી શકે. અને જવાબદાર તંત્ર જ જો આવી જાહેર અહિત કરતી બાબતો છાવરતુ હોય તો વાડ જ ચિભડા ગળતી હોવા જેવો ઘાટ ગણાય ! અને આ બાબતે ફરિયાદ કોને કરવી એ વાતે પણ સવાલ ઉભા થાય !
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ