ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક આજરોજ વહેલી સવારે એક રેતી ભરેલ હાઇવા ટ્રક રોડ ઉપરજ પલ્ટી મારી જતા રોડ પર રેતી વેરણછેરણ થઇ હતી. રોડ પર ફેલાયેલી રેતીના કારણે જઇ રહેલા અન્ય વાહનચાલકોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો હતો.
મળતી વિગતો મુજબ આ રેતી ભરેલ ટ્રક આજરોજ ઝઘડિયાની આગળ અંકલેશ્વર તરફના માર્ગ પર જઇ રહી હતી, તે દરમિયાન ઝઘડિયાથી રાણીપુરા વચ્ચે કોઇ કારણોસર આ હાઇવા ટ્રક રોડ ઉપર જ પલ્ટી મારી ગઇ હતી. દોડતી ટ્રક પલ્ટી માર્યા બાદ રોડ પર થોડે સુધી ઘસડાઇ હોઇ એમ પણ જણાતું હતું. આને લઇને તેમાં ભરેલ રેતી રોડ ઉપર વેરણછેરણ થઇ જતા પસાર થતા અન્ય વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રક પલ્ટી જતા તેમાંનું ડિઝલ પણ રોડ પર ઢોળાઇ ગયું હતું. આ ઘટનાના કલાકો વિતવા બાદ પણ જૈસેથે જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. તેને લઇને અન્ય વાહનચાલકોને આ સ્થળ પરથી પસાર થવામાં હાલાકિનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનામાં કોઇ પોલીસ ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યુ ન હતું. જોકે ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવ્યુ નથી. જોકે પલ્ટી મારેલ આ હાઇવા ટ્રક કલાકો સુધી એમને એમ પડી રહેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર છાસવરે અકસ્માતો થાય છે. હાઇવા ટ્રક પલ્ટી જવાની આ ઘટના બાદ અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ