ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે ગ્રામ પંચાયતની ચુંટણીની રીષ રાખીને બે ઇસમોને માર માર્યો હતો. ખરચી ગામે અગાઉ યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં નિલેશભાઇ રામજીભાઇ વસાવાનો પક્ષ વિજયી થયો હતો.
ગતરોજ તા.૨૪ મી એ રાતના નવેક વાગ્યાના અરસામાં નિલેશભાઇના ઘરની બાજુમાં રહેતા દિલિપ દિનેશ વસાવા તેના ઘર આગળ ઉભો હતો. નિલેશભાઇએ તેને જણાવ્યું હતું કે તું પંચાયતના કામમાં દખલ ના કરીશ. ત્યારબાદ રાતના દશેક વાગ્યાના સમયે સુખદેવ ઉર્ફે બોળો વસાવા હાથમાં ધારીયુ લઇને તેમજ રમેશભાઇ વસાવા હાથમાં લોખંડની પાઇપ લઇને તથા અન્ય કેટલાક ઇસમો લાકડી લઇને ત્યાં આવ્યા હતા, અને ગાળો બોલીને કહેતા હતા કે તારી સરપંચગીરી નહિ ચાલવા દઇએ. તેમ કહીને આ લોકોએ નિલેશ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિલેશને ધારીયુ તેમજ લોખંડના પાઇપના સપાટા મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઝઘડામાં નજીકમાં રહેતા રેવાદાસ વસાવા છોડાવવા વચ્ચે પડતા તેમને ધારીયુ મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. ઇજાગ્રસ્ત નિલેશભાઇ તેમજ રેવાદાસભાઇને ભરૂચ સિવિલ હોસ્પિટલમા સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ ઝઘડાનું કારણ પંચાયતની કામગીરીમાં હારેલા પક્ષના લોકો દખલગીરી કરતા હોવાનું જણાવાયું હતું, તેમજ ચુંટણીમાં હારજીતની બાબતની રીષ રાખીને આ ઝઘડો કરાયો હતો. ઘટના બાબતે નિલેશ રામજી વસાવા રહે.ખરચીની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે સુખદેવ ઉર્ફે બોળો વસાવા, દિવ્યેશ વસાવા, રમેશ વસાવા, છનાભાઇ વસાવા, દિપક વસાવા, વિનોદ વસાવા, અક્ષય વસાવા તેમજ ગોમીબેન વસાવા તમામ રહે.ગામ ખરચી તેમજ ખરચી ભીલવાડાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ