ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામે વીજળી પડતા એક ૩૧ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. ચોમાસા દરમિયાન આકાશમાં ગાજવીજ થતાં ઘણીવાર વીજળી પડવાના બનાવ બનતા હોય છે. આકાશી વીજળી પડતા તેની લપેટમાં આવી ગયેલ પશુઓ તેમજ માણસોના સળગી જઇને કરુણ મોત થતાં હોય છે. આવી જ એક આકાશી વીજળી પડવાની ઘટનામાં ઝઘડિયાના રઝલવાડા ગામના આ ૩૧ વર્ષીય યુવકનું મોત થયું હતુ.
મળતી વિગતો મુજબ રઝલવાડા ગામનો બળવંતસિંહ સુજનભાઇ વસાવા નામનો યુવક આજરોજ એક ખેતર નજીકથી કોઇ કામસર જઇ રહ્યો હતો, ત્યારે આકાશમાં વીજળીના ચમકારા થઇ રહ્યા હતા. આ આશાસ્પદ યુવકના મોતનું કારણ આકાશી વીજળી પડવાના કારણે લખાયું હશે, તેમ આકાશમાંથી જમીન પર ધસી આવેલ એક આકાશી વીજ લીસોટો આ યુવક પર પડતા યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ યુવકનું ત્યારબાદ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ આ યુવક પ્રવાસી શિક્ષક તરીકે નોકરી કરતો હતો. આ ઘટના બાબતે રાજપારડી પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ