ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગ ઉપરાંત ગામડાઓને જોડતા કેટલાક રસ્તાઓની હાલત કફોડી બની જવા પામી છે. રસ્તાઓની સાથે સાથે તાલુકાના કેટલાક ગામોના બસ સ્ટેન્ડો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. તાલુકાના ગ્રામિણ મુસાફરો પોતાના ગામથી બસ સ્ટેન્ડ સુધી ચાલતા આવીને તાપ, ઠંડી અને વરસાદમાં વાહનોની રાહ જોતા હોય છે. ઝઘડિયા તાલુકાના કેટલાક ગામોમાં બસ સ્ટેન્ડ તો છે પરંતુ તે અત્યંત જર્જરિત હાલતમાં અને બેસવા માટે કોઈ વ્યવસ્થિત બેઠક વ્યવસ્થાના અભાવના કારણે આ બસ સ્ટેન્ડો ગંદકીવાળા અને બિન ઉપયોગી બની રહ્યા છે.
તાલુકા મથક એવા ઝઘડિયા ચાર રસ્તા પરનું બસ સ્ટેન્ડ લાંબા સમય પહેલા બનાવાયું હતું, જે બસ સ્ટેન્ડ હાલમાં છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં અને કચરાપેટી જેવું બની રહ્યું છે. હાલમાં આ બસ સ્ટેન્ડ રોડના લેવલથી નીચે જતું રહ્યું છે, જેના કારણે ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો બસ સ્ટેન્ડમાં ભરાવો થાય છે. આ બાબતે અગાઉની તેમજ વર્તમાન ગ્રામ પંચાયતના હોદ્દેદારોને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું કોઇ નિરાકરણ મુસાફરોના હિતમાં લેવાયું નથી એમ જાણવા મળ્યું છે. વર્ષો પહેલા સરદાર પ્રતિમાને જોડતા ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગનું વિસ્તૃતીકરણ કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી તે દરમિયાન આ ધોરીમાર્ગ પર આવેલ લગભગ બધા જ બસ સ્ટેન્ડનો તોડી પાડવામાં આવ્યા હતા. હાલમાં ધોરીમાર્ગ પર તાલુકાના કેટલાય ગામના બસ સ્ટેન્ડ નથી. સરદાર પ્રતિમા ધોરીમાર્ગનું વિસ્તૃતીકરણ કરતા ઇજારદારે તમામ ગામોના બસ સ્ટેન્ડો બનાવી આપવાની ફરજમાં આવતું હોવા પછી પણ ઈજારાદાર દ્વારા બસ સ્ટેન્ડો બનાવાયા હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી! ત્યારે ધોરીમાર્ગના વિસ્તૃતિકરણ વખતે તોડી પડાયેલા બસ સ્ટેન્ડોનું નિર્માણ જવાબદાર તંત્ર ક્યારે કરાવશે તેવો પ્રશ્ન સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. ઝઘડિયા તાલુકાના મોટાભાગના ગામોના બસ સ્ટેન્ડ જે મુખ્ય માર્ગ તથા ધોરીમાર્ગને જોડતા હોય તેવા બસ સ્ટેન્ડ પૈકી ઘણાં જર્જરિત હાલતમાં છે તેનું સમારકામ કરી સાફસુથરા બનાવાય તથા જે ગામ પર બસ સ્ટેન્ડ જ નથી તેવા ગામોમાં પણ નવા બસ સ્ટેન્ડ બનાવાય તેવી માંગણી તાલુકાના સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ