ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પાછલા કેટલાક સમયથી ખેડૂતો પાસેથી ખેતીની જમીનો ખરીદીને તેને બિનખેતીની બનાવી તેના પર પ્લોટિંગ કરાતું હોવાનું જોવા મળી રહ્યું છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી ગ્રામ્ય વિસ્તારોના લોકો વંશપરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા હોય છે. પાછલા આંકડાઓ મુજબ દેશની ૭૦ ટકા જેટલી વસતિ ખેતી પર નિર્ભર હતી, જ્યારે હાલ સિમેન્ટ કોંક્રીટના વધતા જતા આક્રમણને લઇને ખેતીની જમીનો ધીમેધીમે લુપ્ત થવાના આરે આવી ગઇ હોય એમ લાગે છે.
ઝઘડિયા તાલુકામાં પણ મુખ્ય માર્ગોને અડીને ખેતીની જમીનો કેટલાક ધંધાર્થી લોકો દ્વારા ખરીદીને તેને બિનખેતીની બનાવીને તેના પર પ્લોટિંગ કરાતું જોવા મળી રહ્યુ છે. ત્યારબાદ આ પ્લોટ ગ્રાહકો ખરીદતા હોય છે. સામાન્યરીતે દરેક વિસ્તારમાં મિલ્કતોની એક સરકારી નિયમ મુજબની બજાર વેલ્યુ નક્કી થયેલ હોય છે. પરંતું હાલ જમીનો અને તેના પરના પ્લોટિંગ તેમજ તેના પર બનાવેલ દુકાનો મકાનો ખરેખર જે કિંમતે વેચાયા હોય તેના કરતા ઓછી કિંમત બતાવી દસ્તાવેજ બનાવાતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જેતે મિલ્કતની વેચાણ કિંમત મુજબ નિયત કરેલ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે, પરતું જે કિંમતે પ્લોટ કે દુકાન વેચાણ થઇ હોય તેના કરતા ઓછી કિંમત બતાવીને તે મુજબ દસ્તાવેજ બનાવાતા હોય છે. ત્યારે સરકાર દ્વારા જેતે સ્થળના પ્લોટ અને દુકાનો મકાનોની બજાર વેલ્યુનું ફેર મૂલ્યાંકન કરીને સરકારી નિયમ મુજબની બજાર વેલ્યુ હાલના સમયને અનુરૂપ કરવામાં આવે, જેથી ઉંચી કિંમતે પ્લોટ કે દુકાનો વેચતા બિલ્ડરો પુરી સ્ટેમ્પ ડ્યુટી ચુકવે. ખેતીની જમીનો બિનખેતીની કરીને વેચતા બિલ્ડરો પાસે બે નંબરની સંપતિ એકત્ર થતી હોવાની પણ બુમો ઉઠવા પામી છે. ઝઘડિયા તાલુકામાં આવકવેરા વિભાગ દ્વારા સંબંધિત વ્યક્તિઓ સંદર્ભે આ બાબતે સઘન અને તટસ્થ તપાસ આરંભાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ